કરમસદના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને હેરાનગતિ બાબતે કાર્યવાહી કરવા માંગ
- જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
- ડો.બાબાસાહેબ આંબેડકર છાત્રાલયના સંચાલકો હોસ્ટેલને તાળું મારીને ગાયબ થઈ ગયા
કરમસદ ખાતે આવેલી ટ્રાઈબલ આદિજાતિની ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં ગત તા.૬ જુલાઈના રોજ છાત્રાલયના સંચાલકો કોઈને કંઈ કહ્યા વિના હોસ્ટેલને તાળાં મારી અચાનક ગાયબ થઈ ગયા હતા. જેથી હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓને રૂમની બહાર ભૂખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ ઘટનાને લઈ હોસ્ટેલના સંચાલક દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ લેખિત રજૂઆતમાં કરાયા હતા. હોસ્ટેલમાં દાહોદ, ગોધરા તેમજ અન્ય દૂરના પ્રદેશના આદિજાતિના વિદ્યાર્થીઓ રહે છે. અને હાલમાં આવા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંચાલકોની મનમાનીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડે છે અને વિદ્યાર્થીઓ માનસિક હેરાનગતિ ભોગવતા હોવાનું લેખિત રજૂઆતમાં જણાવાયું હતું. આ ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને કસૂરવારો સામે એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.