વાસદના સીએચસીમાં તૈયાર થયેલા નવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
- બાયપેપ મશીન તથા બે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરાઈ
- કોવિડ રથ દ્વારા આંકલાવ ગ્રામીણ વિસ્તારમાં 1000 જેટલા દર્દીઓની સારવાર કરાઈ
આણંદ : જિલ્લાના વાસદ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર સંકુલમાં રૂા.૩૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનું વરચ્યુઅલી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકાર્પણ કર્યું હતું.
સાંસદના પ્રયાસોથી રૂા.૩૪ લાખના દાનથી તૈયાર થયેલા આ ઓક્સિજન પ્લાન્ટથી વાસદ સામુહિક પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની સુવિધા વધુ માત્રામાં પ્રાપ્ત થશે અને દાતાઓ દ્વારા મળેલી અન્ય સુવિધાઓ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે. સાથે સાથે સાંસદ દ્વારા સ્ટાફ તથા દર્દીઓ માટે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. આઈ.સી.યુ. રૂમમાં રૂા.૧૫ લાખના ખર્ચે એક બાયપેપ મશીન સહિત બે વેન્ટીલેટર બેડ સહિત ઉભુ કરવામાં આવેલ છે.
ધી ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદના સૌજન્યથી ઓક્સિજન પ્લાન્ટ તથા સાંસદ દ્વારા કોવિડ રથ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં એક ર્ડાક્ટર, આરોગ્ય વર્કર અને ડ્રાઈવર તથા સ્વામી વિવેકાનંદ મંડળના યુવકો સાથે મળી, ગામડાઓના પરા વિસ્તારમાં જઈને, આરોગ્યલક્ષી સેવાઓ આપે છે. જેમાં કોવિડને લગતી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને સાથે ઈમરજન્સીમાં ઓક્સિજન સહાયમાં ઓક્સિજન કોન્સટ્રેટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કોવિડ રથ દ્વારા આંકલાવ ગ્રામિણ વિસ્તારના પ્રવાસ દરમિયાન ૧૦૦૦થી પણ વધારે દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.