પેટલાદ તાલુકાના નાર ગામે વડ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
- તળાવમાં 2 મગરો પણ તરફડિયા મારવા લાગ્યા
- મોટી માત્રામાં એકાએક માછલીઓના મોત અંગે ઘુંટાતું રહસ્ય, અસહ્ય દુર્ગંધથી ગ્રામજનો પરેશાન
મળતી માહિતી મુજબ નાર ગ્રામ પંચાયતના સત્તાધીશોની મુદ્દત પુરી થઈ હોવાથી વહીવટદાર તરીકે નિયુક્તિ તલાટી કામગીરી સંભાળી રહ્યા છે. ગતરોજ નાર ગામના વડ તળાવમાં એકસાથે માછલીઓના મોતની ઘટના અંગે તલાટીને જાણ કરવામાં આવતા તેઓ ગુરૂવાર હોવાથી મીટીંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જો કે એકસાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે સૂત્રો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એકસાથે માછલીઓના મોત થવા પાછળનું કારણ તળાવમાં કોઈ કેમીકલ કે પાવડર નાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે કારણ કે તળાવમાં માછલીઓ સાથે રહેતા બે મગર પણ તરફડીયા ખાતા જોવા મળ્યા હતા. જો કે ત્રણેક કલાક બાદ મગરો સ્વસ્થ થતા પુનઃ તળાવની વચ્ચે પાણીમાં ઉતરી ગયા હતા.
આ તળાવ અગાઉ માછીમારી માટે ભાડે આપવામાં આવ્યું હતું. પરંતુ ભાડે લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનુસાર નાણાં ભરપાઈ ન કરાતા આ કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. દરમ્યાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ હોવાથી આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેને લઈ જેસીબી મશીનની મદદથી તળાવમાંથી મૃત માછલીઓ બહાર કાઢવા સાથે જંગલી નાળો પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે.
માછલીઓ પકડવા કેટલાક લોકોએ તળાવમાં કેમિકલ નાંખ્યાની ચર્ચા
નાર ગામે વડ તળાવમાં એકસાથે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળવાની ઘટનામાં ત્રણેક દિવસ અગાઉ નડિયાદ તરફથી આવેલ એક રીક્ષામાં સવાર કેટલાક મજૂરોએ તળાવમાંથી માછલીઓ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જે માટે તેઓએ તળાવમાં કેમીકલ કે પાવડરનો છંટકાવ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે માછલીઓ ન નીકળતા તેઓ પરત જતા રહ્યા હતા. દરમ્યાન ગતરોજ તળાવમાંથી માછલીઓ મૃત હાલતમાં મળી આવતા અજાણ્યા વ્યક્તિઓએ તળાવમાં શું નાખ્યું હશે ? તે અંગે અનેક તર્ક-વિતર્કો ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે.
તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટયું હોવાથી મોતની આશંકા
નાર ગામ ખાતે આવેલ કુલ ત્રણ તળાવો પૈકી બે તળાવો મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે આપેલા છે. આ તળાવોમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ છે. આ ત્રણ તળાવ પૈકી વડ તળાવમાં આટલી મોટી સંખ્યામાં એકસાથે માછલીઓના મોતને લઈ અનેક શંકાઓ ઉદ્ભવી છે. જો કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાકના મતે ચારેક દિવસ માવઠાં જેવો માહોલ રહેતા વડ તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી માછલીઓના મોત થયા હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.