મૂશળધાર વરસાદથી કેળનાં થડ ધરાશાઈ થતાં કેળાનાં પાકને નુકશાન
- આણંદ જિલ્લાના અગાસ, સંદેશર અને બોરીયા પંથકમાં
- આર્થિક નુકશાન થતા ખેડૂતો લાચારીમાં મુકાયા સરકાર દ્વારા આર્થિક સહાયની ખેડૂતોની માંગ
મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લાનાં અગાસ, સંદેશર અને બોરીયા પંથકમાં ભારે પવન ફુંકાતા મુશળધાર વરસાદ તુટી પડતા ખેતરોમાં તૈયાર કેળના પાકના થડ કાંસકીઓ સાથે ધરાશાઈ થતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે. અંદાજે ૫૦ વીઘાથી વધુ જમીનમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો હતો અને વેપારીઓ દ્વારા આ તૈયાર કેળાની લુમોની કાપણી કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ગત શુક્રવારથી ઝડપી પવન ફુંકાવા સાથે વરસાદ તુટી પડયો હતો અને જેનાં કારણે કેળનાં થડ કાંસકીઓ સાથે ધરાસાઈ થઈ ભોંયસરસા થઈ જતા કેળની લુમોને નુકશાન થયું છે.
આ અંગે અગાસ ગામના ખેડુત હિતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓએ ૧૮ વિધા જમીનમાં કેળની ખેતી કરી છે અને પાક તૈયાર થઈ ગયો છે પરંતુ વિતેલા પાંચ દિવસ દરમ્યાન ફુંકાયેલા ઝડપી પવનના કારણે ૭૦ ટકાથી વધુ કેળનાં થડ ધરાશાઈ થઈ જતા તેઓને ભારે આર્થિક નુકશાન થયું છે. આ વર્ષે કેળાનાં ભાવ સારા મળવાની આશા હતી પરંતુ ત્યાં જ વાવાઝોડાએ કેળાનાં પાકને ભારે નુકશાન કર્યું છે ત્યારે રાજય સરકાર દ્વારા કેળનાં પાકની નુકશાન સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે સુનિલભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા કેટલાક સમયથી કુદરતી આપદાઓને લઈને ખેડુતોને આથક નુકશાન સહન કરવું પડી રહ્યું છે, ગત વર્ષે પણ વરસાદને લઈને પાકને નુકશાન થયું હતું ત્યારબાદ શિયાળામાં કમોસમી વરસાદથી નુકશાન થયું હતું. આ વખતે કેળાનો પાક સારો થયો હતો ત્યારે મીની વાવાઝોડાએ પાકને નષ્ટ કરી દીધો છે ત્યારે રાજય સરકાર આ ખેડુતોને સહાય આપે તેવી અમારી માંગણી છે.