આંકલાવના છોટીયા તલાવડી સીમમાંથી અફીણનું વાવેતર ઝડપાયું, વૃદ્ધની ધરપકડ
- ખેતરમાંથી અફીણના 790 છોડ મળી આવ્યા
- અફીણનો નશો કરવાની આદત હોઈ તેના સેવન માટે છેલ્લા 8-10 માસથી તેઓ અફીણની ખેતી કરતા હોવાનું જણાવ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ પોલીસની ટીમે ગતરોજ મળેલ ગુપ્ત બાતમીના આધારે આંકલાવની છોટીયા તલાવડી સીમમાં મગનભાઈ કાભઈભાઈ પમરાર (ઉં.વ.૮૭)ના ખેતરમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં તમાકુના વાવેતરની સાથે સાથે અફીણના છોડનું વાવેતર પણ કરાયું હોવાનું જણાતા પોલીસે ખેતરમાંથી નાના-મોટા મળી કુલ-૭૯૦ નંગ અફીણના છોડ કબજે લઈ તેનું વજન કરતા ૬૫.૨૦૦ કી.ગ્રા થયું હતું. જેની અંદાજિત કિં.રૂા.૬.૫૨ લાખ જેટલી થવા જાય છે. ખેતરમાંથી આટલા મોટા પ્રમાણમાં અફીણના છોડ મળી આવતા પેટલાદના ડીવાયએસપી તથા સર્કલ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આંકલાવ પોલીસે મગનભાઈ કાભઈભાઈ પરમાર વિરુધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે મગનભાઈ પરમાર ખેતરમાં ઝાડ નીચે બેઠા બેઠા હુક્કો ફૂંકતા હતા. તેઓની પ્રાથમિક પૂછપરછમાં પોતાને અફીણનો નશો કરવાની આદત હોઈ તેના સેવન માટે છેલ્લા ૮-૧૦ માસથી તેઓ અફીણની ખેતી કરતા હોવાનું જણાવ્યું હતું. લગભગ ૫૫ ગુંઠા જમીનમાં તેઓએ અલગ-અલગ માંડવા બાંધી તમાકુ તથા શાકભાજીની ખેતી કરી હતી અને એક તરફના ભાગમાં અફીણના છોડનું વાવેતર કર્યું હતું. મગનભાઈ પરમારના પરિવારમાં તેઓ તથા તેમના પત્ની જ છે અને હાલમાં તો સ્વઉપયોગ માટે આ અફીણની ખેતી કરતા હોવાનું તેઓ જણાવી રહ્યાં છે ત્યારે સમગ્ર ઘટના અંગે આણંદ એસઓજી પોલીસને તપાસ સોંપાઈ છે અને તેઓના વધુના તપાસ અર્થે રીમાન્ડ મેળવવા માટે ગુરુવારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.