બોરસદમાં એસટી બસની સીટમાંથી દારૂની ખાલી બોટલ મળતા વિવાદ
પ્લેટફોર્મ પર મુસાફરોને ઉતારી 10 મિનિટે બસ આવી
વર્કશોપમાં બસ સાફ કરાવી હતી : કન્ડક્ટર, બસ વર્કશોપમાં આવી જ નથી : ઈન્ચાર્જ, દારૂની બોટલ ક્યાંથી આવી તે પ્રશ્ન
બોરસદ એસટી ડેપોથી બપોરે ૩.૧૫ વાગે બોરસદ અમદાવાદ વાયા આણંદ જતી બસને પ્લેટફોર્મ નં.૧ ઉપર મૂકાઈ હતી. જેમાં ૨૨ મુસાફરો ચઢ્યા હતા. ડબલ સીટના ભાગમાં એક સીટ ઉપર દારૂની ખાલી બોટલ પડેલી જોઈ મુસાફર ચોંક્યો હતો. જેનો મુસાફરે ફોટો પણ પાડી લીધો હતો. બાદમાં મુસાફરે કન્ડક્ટરને સીટ પર પડેલી દારૂની ખાલી બોટલ બતાવી હતી. બાદમાં કન્ડક્ટરે ગાડી સાફ કરવાનું કહી તમામ મુસાફરોને ઉતારી બસ વર્કશૉપમાં લઈ જવાઈ હતી. ૧૦ મિનિટ બાદ બસ ધોવાઈને પાછી બસ લાગતા મુસાફરોને લઈને રવાના થઈ હતી.
બોરસદના ટ્રાફિક કંટ્રોલર આરીફભાઈએ જણાવ્યું હતું કે, બોરસદ ડેપોની બસોને વર્કશોપ માં સાફ સફાઈ કરવા માટે મૂકવામાં આવતી હોય છે અને સાફ સફાઈ તથા મેન્ટેનન્સ ની જવાબદારી વર્કશોપ વિભાગની હોય છે જેથી વર્કશોપ વિભાગે આ બસની સફાઈ કરી છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. બોરસદ વર્કશોપના ઇન્ચાર્જ કનુભાઈના જણાવ્યા મુજબ આ બસ અમદાવાદથી બપોરે ૧ વાગે વર્કશોપમાં આવ્યા બાદ સફાઈ કરીને એક ખૂણામાં મૂકવામાં આવી હતી. બસના ડ્રાઇવર અને કંડકટર બસ લઈને ૩.૧૫ વાગે ડેપોમાં ગયા હતા.
બસમાં દારૂની બોટલ અંગે અમોને કોઈ ખબર નથી. વર્કશોપમાં માત્ર સાત જ કામદારો કામ કરે છે. વર્કશોપમાં દરવાજા પણ નથી જેથી કોણ દારૂની બોટલ મૂકી ગયું તેની ખબર રાખવી અઘરી છે. બોરસદ અમદાવાદ બસ ડેપોમાં મૂક્યા બાદ વર્કશોપમાં સાફ સફાઈ કરવા માટે આવી હોય તેવો કોઈ પણ જાતનો રેકોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે કે કંડકટર બોટલ મળ્યા બાદ વર્કશોપમાં ગાડી સાફ-સફાઈ કરવા માટે આવ્યો નથી જે તદ્દન સત્ય છે.
બોરસદ અમદાવાદ એસટી બસના કંડકટરનો ટ્રાફિક કંટ્રોલરે મોબાઈલથી સંપર્ક કરી બોટલ અંગે પૂછતા મને મુસાફરોએ સીટ ઉપર પડેલી બોટલ અંગે જાણ કરી હતી જેથી મેં મુસાફરોને ઉતારીને વર્કશોપમાં ગાડી લઈ ગયો હતો અને સાફ કરાવી હતી.