પેટલાદમાં પ્લોટ નહીં ખાલી કરતા 3 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ
- લેન્ડગ્રેબિંગ સમિતિમાં કલેક્ટરના હુકમ બાદ
- રહેવા આપેલી ઓરડી ખાલી કરવાનું કહેતા મહિલા સહિત 3 શખ્સોએ ઝઘડો કરી ધમકી આપી
પેટલાદના ટાઉનહોલ રોડ પરની પ્રતાપનગર સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા રૂષભકુમાર દિનેશભાઈ પટેલ (ઉં.વ.૩૮) અને તેમના બનેવી હિતેષભાઈ કનુભાઈ પટેલ (રહે. પેટલાદ, લીંમડી ફળિયું, કસ્બામાં)એ પેટલાદ સિટી સર્વે નં. ૧૩/એ/૪ શીટ નં.૪૫ પૈકીની ૧૩૪.૧૪ ચો.મી.ની જમીનનો પ્લોટ ૨૦૨૨માં જમીનના મૂળ માલિક અનિલભાઈ રમેશભાઈ પટેલ તથા અન્ય હકદારો પાસેથી રૂા. ૪ લાખમાં વેચાણ રાખ્યો હતો. પ્લોટનો દસ્તાવેજ નં. ૧૯૭૫ તા. ૧૪-૧-૨૦૨૨થી તેમના અને તેમના બનેવીના નામે રેકર્ડ ઉપર આવેલો છે. આ પ્લોટવાળી જમીનમાં પહેલેથી જ ઓરડી બનાવીને રહેતા તારાબેન હિંમતભાઈ પરમાર, રણજીતભાઈ હિંમતભાઈ પરમાર અને સંજયભાઈ હિંમતભાઈ પરમારે રહેવા જગ્યા ન હોવાથી તમે જ્યારે ખાલી કરવાનું કહેશો ત્યારે જતા રહેશું તેમ કહી રહેતા હતા. બાદમાં વર્ષ પછી પ્લોટમાં બાંધકામ કરવા સંદર્ભે જગ્યા ખાલી કરવાનું કહેતા ઉપરોક્ત મહિલા સહિત ત્રણે શખ્સોએ અપશબ્દો બોલી, ઝઘડો કરી ઓરડી ખાલી નહીં કરીએ તમારે જે કરવું હોય તે કરી લો, ફરી આવ્યા તો જીવતા નહીં રહેવા દઈએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ સમિતિએ તારાબેન હિંમતભાઈ પરમાર, રણજીતભાઈ હિંમતભાઈ પરમાર અને સંજયભાઈ હિંમતભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા પેટલાદ ટાઉન પોલીસે ત્રણે શખ્સો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.