બોગસ પેઢીનામું બનાવી જમીન વેચાણની તજવીજ કરનારા સામે ફરિયાદ

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
બોગસ પેઢીનામું બનાવી જમીન વેચાણની તજવીજ કરનારા સામે ફરિયાદ 1 - image


- દેવરાજપુરાના કૌટુંબિક સગાઓએ 

- હાઈકોર્ટના હુકમ બાદ પોલીસે 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો 

આણંદ : આણંદ પાસેના ગાના ગામના સીમ વિસ્તારમાં આવેલી ૫૫૦ ગુંઠા જેટલી જમીન કૌટુંબિક સગાઓએ બોગસ પેઢીનામું બનાવી વેચાણ કરવાની પેરવી હાથ ધરતા આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ અરજી કરવા છતાં નિવેડો નહીં આવતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટના હુકમ આધારે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કરમસદ તાલુકાના દેવરાજપુરા ખાતે રહેતા વિજયસિંગ ચંદુભાઈ સોલંકીના દાદા ભુલાભાઈ દાજીભાઈ સોલંકીની ગાના ગામની સીમમાં આશરે ૫૫૦ ગુંઠા જેટલી જમીન આવેલી છે. તેઓનું તા.૨૫ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ અવસાન થયું હતું. આ જમીન ઉપર તેઓના ચાર દીકરા તથા છ દીકરીઓ ભાગ પાડીને ખેતી કરતા હતા. 

દરમિયાન વિજયભાઈના પિતાએ વડીલોપાર્જીત જમીનની વહેંચણી કરવા આણંદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેનો તા.૩૧ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ  નિકાલ આવતા કૌટુંબિક કાકા છોટાભાઈ ભુલાભાઈ સોલંકીએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ પિતરાઈ ભાઈ શાંતિલાલ અંબાલાલ સોલંકીએ ખોટા સાક્ષીઓ ઉભા કરી ભુલાભાઈનું બોગસ પેઢીનામું બનાવી તમામ દીકરીઓના નામો કાઢી નંખાવ્યા હતા અને પેઢીનામામાં દિવાળીબેન, ચંદુભાઈ, અંબાલાલભાઈ, છોટાભાઈ અને પરસોત્તમભાઈને વારસદાર તરીકે દર્શાવ્યા હતા. આ અંગે વિજયભાઈએ મામલદાર કચેરીમાં અરજી કરતા જિલ્લા કલેક્ટરને અરજી કરવા જણાવાયું હતું. બાદમાં કલેક્ટર કચેરી ખાતે અરજી કરતા આ અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. જેથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે હાઈકોર્ટે દસ્તાવેજી પુરાવાઓની તપાસ દરમિયાન સગા કાકા અને પિતરાઈ ભાઈએ ૧૧ વારસદારો હોવા છતાં પેઢીનામામાં માત્ર પાંચ વારસદારોની વારસાઈ કરાવી લઈને વેચાણ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાતા પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. જેથી વિજયભાઈએ આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે શાંતિલાલ અંબાલાલ સોલંકી, મણીભાઈ ડાહ્યાભાઈ રાઠોડ, રમેશભાઈ પરમાર અને રાજેન્દ્રભાઈ અંબાલાલ સોલંકી વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News