આણંદમાં ભાજપના નેતા પિંકલ ભાટિયા સહિત 4 સામે ફરિયાદ
- વીડિયો વાઈરલ થયા બાદ સુલેહ ભંગનો ગુનો
- કારમાં લાકડીઓ સાથેના શખ્સોએ આવી ઝઘડો કરી ગ્રીડ ચોકડી પાસે માર્ગ પર મારામારી કરી હતી
સરકારના આદેશ મુજબ આણંદ જિલ્લાના વિવિધ સેન્ટરો ખાતે આધાર કાર્ડ લિંક અને કેવાયસી કરવાની કામગીરી ચાલી રહી છે. વિવિધ સેન્ટરો ખાતે વહેલી સવારથી જ નાગરિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કામકાજને પહોંચી વળવા વિવિધ બેંકો ખાતે પણ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.
જેમાં આણંદ શહેરની ગ્રેડ ચોકડી નજીક આવેલી એચડીએફસી બેન્ક ખાતે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સેન્ટરના કર્મચારીઓ દ્વારા કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતી હોવાની ફરિયાદના પગલે ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયા તથા તેમના મિત્ર બેંક ખાતે રજૂઆત કરવા માટે ગયા ત્યારે બેંકના કર્મચારીઓ સાથે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. દરમિયાન કોઈએ ફોનથી જાણ કરતા એક બ્લેક કલરની કારમાં કેટલાક શખ્સો લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને પિંકલ ભાટિયા તથા તેના મિત્ર સાથે ઝઘડો કરી જાહેરમાં બખેડો કરતા માર્ગ ઉપર ટ્રાફિકજામ થતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. જાહેર માર્ગ પર થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. જે અંગે આણંદ શહેર પોલીસે ગઈકાલ મોડી રાત્રે યશ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, ગોપાલ હરિભાઈ ભરવાડ, ભાવેશ રણછોડભાઈ ભરવાડ અને પિંકલ રમેશચંદ્ર ભાટિયા વિરુદ્ધ સુલેહ શાંતિના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.