ધર્મજ ગામમાં બપોરના 12 વાગ્યા બાદ સ્વયંભૂ લોકડાઉનનો પ્રારંભ
- કોરોના વાઈરસનું સંક્રમણ બેકાબુ બનતા
- તા. 30 મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે : સવારના નવથી બાર વાગ્યા સુધી શાકભાજી, દૂધ, કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે
આણંદ, તા.16 સપ્ટેમ્બર 2020, બુધવાર
આણંદ જિલ્લાના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ધર્મજ ગામમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા પંચાયત દ્વારા બપોરના બાર કલાક બાદ ગામમાં લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. જેને ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી આજથી સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયાં છે.
સવારના નવથી બાર કલાક દરમ્યાન ધર્મજ ગામમાં દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા લેવાયો છે. ધર્મજ ગામમાં કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને લઈ પંચાયતના શાસકો દ્વારા બપોરના બાર કલાક બાદ ગામમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષાને લઈ લેવાયેલ આ નિર્ણય અંતર્ગત ઘરની બહાર નીકળતા દરેક નાગરિકે ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે તેમજ ગામમાં ફળિયામાં, ટાવરચોક તથા ભાથીજી જેવા જાહેર સ્થળોએ લોકોને ટોળે નહિ વળવા જણાવાયું છે. આજથી આગામી પંદર દિવસ સુધી ગામમાં લોકડાઉન અંગે જાહેરાત કરાઈ છે. જેમાં સવારના નવથી બાર કલાક દરમ્યાન અનાજ, કરિયાણા, દુધ-દહીં તથા શાકભાજીની દુકાન ખુલ્લી રાખી શકાશે. રીક્ષા તથા ટેમ્પીવાળાઓએ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. સાથે સાથે ધર્મજ ગામમાં વધતા જતા કોરોના વાઈરસના સંક્રમણને લઈ રેપીડ ટેસ્ટીંગ કરાવવાનું પણ ફરજીયાત કરાયું છે. જે અંતર્ગત સવારના અગિયાર કલાકથી ગામની પટેલવાડી ખાતે રેપીડ ટેસ્ટની કામગીરી શરૃ કરવામાં આવી હતી. પંચાયત દ્વારા ગામમાં બપોરના બાર કલાક બાદ જાહેર કરાયેલ લોકડાઉનના આદેશને ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી લોકડાઉનને સમર્થન આપ્યું હતું અને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ સિવાય મોટાભાગની તમામ દુકાનો બંધ રહી હતી. તો સવારના સુમારે અગત્યના કામકાજથી બહાર નીકળતા લોકો માસ્ક સાથે જોવા મળ્યા હતાં. આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ધર્મજ ગામમાં સંપૂર્ણપણે લોકડાઉન રહેનાર છે ત્યારે જિલ્લાના અન્ય કોરોના સંક્રમિત ગામો પણ આગામી સમયમાં લોકડાઉન અંગે નિર્ણય લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.