ડાકોરમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી નગરજનો પરેશાન
- તંત્રના આંખ આડા કાનથી સ્થાનિકોમાં રોષ
- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની સંતોની ચિમકી
ડાકોર નગરપાલિકામાં હાલ વહિવટદારનું શાસન હોઈ નગરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, પીવાના પાણી, ગંદકી તેમજ ગટરો ઉભરાવાની સમસ્યા વકરી હોવાના આક્ષેપો નગરજનોમાંથી ઉઠયાં છે. પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નિવડયું હોવાનો રોષ નગરજનોએ ઠાલવ્યો છે.
નગરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યાં છે. જેને લઈ રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ઉભરાતી ગટરોના પાણી માર્ગ પર રેલાતા વાહનચાલકો તથા રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નગરની જી.ડી. ભટ્ટ હાઈસ્કુલ તથા આસપાસના વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ગટરના ગંદા પાણી જાહેરમાં રેલાતા શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો ભારે હેરાન થઈ રહ્યાં છે. નજીકમાં આવેલા મંદિરના સંતો-મહંતો પણ આ સમસ્યાથી હેરાન છે.
ત્યારે પાલિકા તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પાલિકાના શાસકો કોઈ લક્ષ ન આપતા હોવાના આક્ષેપ સાથે આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો સંતો દ્વારા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.