આણંદ જિલ્લામાં ખ્રિસ્તીબંધુઓએ ધામધુમપૂર્વક નાતાલ પર્વ ઉજવ્યો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં ખ્રિસ્તીબંધુઓએ ધામધુમપૂર્વક નાતાલ પર્વ ઉજવ્યો 1 - image


- મેરી ક્રિસમસ કહી નાતાલની શુભેચ્છાઓ પાઠવી 

- દેવાલયોમાં ખ્રિસ્તયજ્ઞા, વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ, ડીજે સાથે ગરબા મહોત્સવ ઉજવાયો 

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં સોમવારના રોજ ખ્રિસ્તીબંધુઓ દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નિમિત્તે ક્રિસમસ પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વ નિમિત્તે જિલ્લાના વિવિધ દેવાલયોમાં સવારે ખ્રિસ્તયજ્ઞા તેમજ વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીબંધુઓએ હાજરી આપી હતી. ત્યારબાદ ખ્રિસ્તીબંધુઓએ એકબીજાને મેરી ક્રિસમસ કહી નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.

નાતાલ પર્વની પૂર્વ રાત્રિએ એટલે કે તા.૨૪મી ડિસેમ્બરના રોજ આણંદ શહેરના જુના બસ મથક પાસે આવેલા સીએનઆઈ ચર્ચ, શહેરના ભાલેજ રોડ ઉપર આવેલા મેથોડીસ ચર્ચ, ચાવડાપુરામાં આવેલા નિત્ય સહાયક માતાનું ચર્ચ તથા ગામડી ખાતે આવેલા કેથોલિક ચર્ચ સહિત પેટલાદ, બોરસદ, ખંભાત, આંકલાવ, ઉમરેઠ, તારાપુર, સોજિત્રા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ચર્ચોમાં મધ્યરાત્રિના ૧૨ વાગ્યાના ટકોરે ખ્રિસ્તીબંધુઓએ દારૂખાનાની આતશબાજી સાથે પ્રભુ ઈસુના જન્મને વધાવી લીધો હતો.

 સાથે સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન સંધ્યા, ગરબા અને નૃત્ય-નાટક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોમવારના રોજ ક્રિસમસ ડે નિમિત્તે વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લાભરના ચર્ચોમાં ખ્રિસ્તીબંધુઓ દેવાલયો ખાતે દર્શનાર્થે ઉમટી પડયા હતા. આણંદ જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચો ખાતે સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન પ્રાર્થનાસભા તેમજ ખ્રિસ્તયજ્ઞાનું આયોજન કરાયું હતું. 

પ્રાર્થનાસભા બાદ ખ્રિસ્તીબંધુઓએ એકબીજાને મેરી ક્રિસમસ કહી પ્રભુ ઈસુના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. નાતાલ પર્વને લઈને વિવિધ મંડળો દ્વારા દાન સ્વરૂપે જરૂરિયાતમંદોને કપડા, મીઠાઈ, અનાજ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. પર્વને લઈને વિવિધ ખ્રિસ્તી લત્તાઓમાં ડી.જે. સાથે ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News