સિમેન્ટના ટેન્કરમાં લઈ જવાતો રૂા. 44.20 લાખનો દારૂ ઝડપાયો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સિમેન્ટના ટેન્કરમાં લઈ જવાતો રૂા. 44.20 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- તારાપુરની મોટી કેનાલ નજીકથી

- વિદેશી દારૂની 968 પેટીઓ કબજે લઈ ટેન્કર ચાલક સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો

આણંદ : આણંદ એલસીબી પોલીસે તારાપુરની મોટી કેનાલ નજીકથી સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂની પેટીઓ ભરી પસાર થતું એક ટેન્કર ઝડપી પાડયું હતું. પોલીસે રૂા.૬૯.૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગુરૂવારે નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક સિમેન્ટની ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આ ટેન્કર ધર્મજ રોડથી તારાપુર ચોકડી તરફ આવનાર હોવાની બાતમી તેમને મળી હતી. જેથી પોલીસની ટીમ તારાપુર મોટી કેનાલ રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. 

દરમિયાન બાતમીદારના વર્ણન મુજબનું ટેન્કર આવી ચઢતા પોલીસે તેને અટકાવ્યું હતું. ચાલકના નામઠામ અંગે પૂછતા તે નરેશકુમાર સોમારામ બદાજી મીણા (રહે. ઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરમાં શું ભર્યું છે તેમ પૂછતા ટેન્કર ખાલી હોવાનું અને રાજુલા સીમેન્ટ ભરવા જઈ રહ્યો હોવાનું ચાલકે જણાવ્યું હતું. 

જેથી પોલીસે શંકાને આધારે ટેન્કરનું કન્ટેનર તપાસતા અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવી હોવાનું જોવા મળ્યું હતું. જેથી તપાસ કરતા સિમેન્ટ ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ ૯૬૮ પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિં.રૂા.૪૪,૨૦,૫૦૦ જેટલી થવા જાય છે.  પોલીસે ટેન્કરના ચાલકને અટકમાં લઈ વધુ પૂછપરછ કરતા વિદેશી દારૂ ભરેલું ટેન્કર તેના સાળા ભગવતીલાલ પન્નાલાલ મીણાએ (રહે.ઉદેપુર) જાંબુઆ બાંસવાડા હાઈવે મોકલી એક મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનું કહેતા હાઈવે પરથી આ ટ્રક આપી હોવાનું અને મોબાઈલ થકી લોકેશન મળતા દાહોદથી કાલોલ, હાલોલ, વડોદરા થઈ આ ટ્રક વાસદથી બગોદરા હાઈવે ઉપર બગોદરા તરફ જવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી.  પોલીસે વિદેશી દારૂ તથા ટેન્કર મળી કુલ રૂા.૬૯.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News