બોરસદની સબજેલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, 3 કર્મી સામે ફરિયાદ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
બોરસદની સબજેલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, 3 કર્મી સામે ફરિયાદ 1 - image


- સબજેલમાંથી કેદી ફરાર થઇ જવાનો સિલસિલો યથાવત

- મુખ્ય દરવાજો ખોલી તેની સ્ટોપર બંધ કરતી વેળાએ તકનો લાભ લઇ કેદી છટકી ગયો

આણંદ : આણંદ જિલ્લાના બોરસદની સબજેલમાંથી કેદી ફરાર થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં સપડાયેલ બોરસદની સબજેલમાંથી ગઈકાલ મધ્ય રાત્રિના સુમારે પોક્સોનો આરોપી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી બોરસદની સબજેલમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટનાઓ ઉજાગર થતા જેલની સુરક્ષા તથા સલામતી અંગે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

સૈજપુર ગામે રહેતા રોહીતભાઈ રમેશભાઈ ઠાકોર સામે વીરસદ પોલીસ મથકમાં દાખલ થયેલ એક બળાત્કારની ફરીયાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ ગત તા.૭મી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ તેને બોરસદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

ગઈકાલ મધ્ય રાત્રિના સુમારે ગાર્ડ ઈન્ચાર્જ ઉદયકુમાર અને હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મલ્હારીએ બેરેક નં.૨માં રહેતા રોહીત ઉર્ફે રોતો ઠાકોર અને ઉમેશ પટેલને બેરેકમાંથી બહાર કાઢ્યા હતા. બાદમાં ગાર્ડ ઈન્ચાર્જ તથા હેડ કોન્સ્ટેબલ સબજેલનો મુખ્ય દરવાજો ખોલી માત્ર સ્ટોપર બંધ કરી બહાર નીકળ્યા હતા. 

દરમ્યાન આ તકનો લાભ લઈ રોહીત ઉર્ફે રોતો મુખ્ય દરવાજો ખોલી ફરાર થઈ ગયો હતો. જેથી ઉમેશ પટેલે આ અંગે હેડ કોન્સ્ટેબલને જાણ કરતા તેઓએ તુરત જ એએસઆઈને જાણ કરી હતી અને તપાસ કરતા રોહીત ઉર્ફે રોતો મળી આવ્યો ન હતો.

આ ઘટનાની જાણ બોરસદ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસતા રોહીત ઉર્ફે રોતો રાત્રીના સુમારે સબ જેલમાંથી ફરાર થઈ જતો જોવા મળ્યો હતો. 

આ બનાવ અંગે બોરસદ પોલીસે ગાર્ડ ઈન્ચાર્જ તથા સંત્રી પહેરા ડયુટી પર હાજર હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વર્ષ 2004 માં 10 કેદી અને વર્ષ 2023 માં 4 કેદી ફરાર થઇ ગયા હતા !

છેલ્લા ઘણા સમયથી બોરસદની સબ જેલ અવારનવાર કેદીઓ ફરાર થઈ જવાની ઘટનાને લઈ ચર્ચામાં રહી છે. ૨૦ વર્ષ અગાઉ માર્ચ-૨૦૦૪માં બોરસદની સબ જેલમાંથી રાત્રિના સુમારે ૧૦ કેદીઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસે આ ૧૦ પૈકીના ૬ આરોપીઓને ઝડપી પાડયા હતા. જો કે બાકીના ૪ કેદી હજી પણ પોલીસ પકડથી દુર રહેવા પામ્યા છે. ઉપરાંત તાજેતરમાં સપ્ટેમ્બર ૨૦૨૩માં બેરેક નં.૩માં હાજર ૭ આરોપી પૈકી ૪ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં રાત્રીના સુમારે બેરેકના દરવાજાના સળીયાના નીચેનો લાકડાનો ભાગ હેક્સો બ્લેડથી કાપી સળીયાવાળી બેરેકમાંથી બહાર નીકળી શૌચાલયની દિવાલ ઉપર ચઢી ૨૦ ફૂટની દિવાલ કૂદી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.


Google NewsGoogle News