અમૂલ દ્વારા પશુદાણમાં દૂધ મંડળી અને સેક્રેટરીના કમિશનમાં રૂ. 3 નો વધારો કરાયો
- નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો
- આજથી અમલ થશે : આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 1200 થી વધુ મંડળીઓને લાભ થશે
અમૂલ ડેરીની સોમવારના રોજ યોજાયેલી નિયામક મંડળની મિટીંગમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને તેમને આર્થિક પોષણક્ષમ દુધના ભાવ મળે તે અંગે વિશેષ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરી દ્વારા આપવામાં આવતા પશુ દાણમાં ગુણ દીઠ દુધ મંડળીને તથા સેક્રેટરીને આપવામાં આવતા માર્ક-અપમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. આ અંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે નિયામક મંડળની સભામાં નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧લી માર્ચ-૨૦૨૩થી દુધ મંડળી તથા સેક્રેટરીને માર્ક-અપમાં પ્રતિ ગુણ દીઠ રૂા.૩નો વધારો કર્યો છે. જો કે અમૂલ પશુ દાણની વેચાણ કિંમતમાં કોઈ જ વધારો કરાયો નથી. આ નિર્ણયથી આણંદ, ખેડા તથા મહીસાગર જિલ્લાની અંદાજિત ૧૨૦૦થી વધુ મંડળીઓને આર્થિક ફાયદો થશે અને પશુ દાણના વેચાણને વધુ વેગ મળશે.
અમૂલના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે અમૂલ સાથે જોડાયેલ સાત લાખ પશુપાલકોની જવાબદારી વધી રહી છે ત્યારે અમૂલ દ્વારા આગામી દિવસોમાં પશુપાલકો માટે નવી યોજના અમલી બનાવવામાં આવશે.
જે અંતર્ગત પશુપાલકોને અકસ્માતોના બનાવમાં રૂા.૧ લાખનું વીમા કવચ પુરું પાડવા અંગેની યોજના જાહેર કરવામાં આવશે.