બોરસદ ન.પા. ભાજપના બળવાખોરો જ ભાજપને આગામી ચૂંટણીમાં લડત આપશે
- બળવાખોરીના કારણે જ ભાજપે બે વર્ષ પહેલાં નગરપાલિકામાં સત્તા ગૂમાવી હતી
- અપક્ષો અને કોંગ્રેસનો સાથ મેળવી 'બોરસદ વિકાસ મંચ'ની રચના કરવાનો ચૂંટણીલક્ષી વ્યૂહ ઘડવામાં આવ્યો
બોરસદ પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપે ૩૬ માંથી ૨૦ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી. પરંતુ આંતરિક વિખવાદ, અસંતોષના કારણે ભાજપના જ ૧૪ સભ્યોએ બળવો કર્યો હતો. ભાજપના બળવાખોરોએ વિપક્ષ કોંગ્રેસની મદદથી ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેમાં ભાજપે ઓગસ્ટ ૨૦૨૨માં સત્તા ગુમાવવી પડી હતી અને પાલિકાને રાજ્ય સરકારે સુપરસીડ કરતા ત્યાં વહિવટદારનું શાસન આવ્યું હતું.
રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં નગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે બોરસદમાં ભાજપને સત્તાથી દુર રાખવા અને શહેરના વિકાસના નામે સત્તા મેળવવાના ઇરાદે ભાજપના બળવાખોરો ફરી સક્રિય બન્યા છે.
ગત ચૂંટણીમાં ૩૬ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપે જીતી હતી.જેમાં વોર્ડ નંબર એક, ત્રણ, ચાર અને પાંચમાં ભાજપની આખી પેનલ જીતી હતી.જેમાં બીજી તરફ નવાઇની વાત એ છેકે ભાજપના સાતથી વધુ ઉમેદવારો ૫ થી ૮૦ મતના નજીવા અંતરે જીત્યા હતા. સત્તા મળી છતાંય આંતરિક બળવો થતા ભાજપે સત્તા ગુમાવવી પડી.
બીજી તરફ શહેરના વિકાસકામો અટક્યા અને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મળેલા મત કરતા ઓછા મત બોરસદ શહેરમાંથી મળ્યા હોવાના ગણિતને આગળ ધરી આગામી પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને ધોબીપછાડ આપવાનો રાજકીય વ્યૂહ રચાઇ રહ્યો છે. આગામી ચૂંટણી જીતી પાલિકામાં સત્તા મેળવવા 'બોરસદ વિકાસ મંચ'ની રચનાનું આયોજન થઇ રહ્યું છે. બોરસદ શહેર ભાજના એક પૂર્વ કાઉન્સિલરને 'બોરસદ વિકાસ મંચ'ની અગ્રણી તેમજ કન્વીનર તરીકેની કામગીરી પણ સોંપી દેવાઇ છે. બોરસદ શહેરમાં જો આ નવો રાજકીય તખ્તો અવરોધ વગર ગોઠવાઇ જાય તો ભાજપ માટે પાલિકાની આગામી ચૂંટણીમાં સત્તા મેળવવી મુશ્કેલ બની જશે તેવું ચર્ચાઇ રહ્યું છે.