બોર્ડ પરીક્ષાઃ માસ કોપીની ઘટનામાં સ્થળ સંચાલક સહિતના 5 કર્મચારીને નોટિસ
- ધો. 12 માં કરમસદના સેન્ટરમાં બનેલી ઘટના
- આજે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સઘન સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાઈ
આણંદ : આણંદ જિલ્લાના કરમસદ અને તારાપુર ખાતે ગત રોજ ધો.૧૨માં ભૂગોળ વિષયની પરીક્ષા દરમ્યાન અનઅધિકૃત વ્યક્તિ દ્વારા માસ કોપી કરાવવામાં આવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ખંડ નિરિક્ષક સહિતના પાંચ કર્મચારીઓને આજે ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને તમામને ગાંધીનગર ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ ગત રોજ કરમસદ ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યામંદિરની ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં જ્યારે તેઓ પરીક્ષા ખંડ ખાતે પહોંચ્યા ત્યારે દરવાજા નજીકથી એક વ્યક્તિ કંઈ લખાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. જો કે તેઓને જોતા જ આ વ્યક્તિ દોડીને બહાર જતો રહ્યો હતો.
જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ તુરત જ આ અંગે કાર્યવાહી હાથ ધરી સ્થળ સંચાલક સહિતનો તમામ સ્ટાફ બદલી નાંખ્યો હતો અને શિક્ષણ બોર્ડને આ અંગે જાણ કરી હતી. સાથે સાથે તારાપુરની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે પણ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા ખંડમાં આવી વિદ્યાર્થીને જવાબો લખાવી રહી હોવાનું સ્કવોડની ટીમને ધ્યાને આવ્યું હતું. જે મામલે પણ ફરીયાદ થઈ હતી.
ગત રોજ આણંદ જિલ્લાના બે પરીક્ષા સેન્ટરો ખાતે માસ કોપી ઝડપાતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સઘન સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. સાથે સાથે ઉચ્ચ કક્ષાએથી પણ શિક્ષણ બોર્ડ દ્વારા સ્પેશિયલ સ્કવોડ મોકલવામાં આવી હતી.
ઉપરાંત કરમસદ ખાતેના ખંડ નિરિક્ષક ખંડ સંચાલક તથા વહીવટી કર્મચારી મળી પાંચ કર્મચારીઓને આજે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યાં ઉચ્ચ શિક્ષણ કચેરી ખાતે તમામની પૂછપરછ કરાઈ હોવાના અહેવાલ સાંપડયા છે.
સીસીટીવીના આધારે કોપી કેસની તપાસ કરાશે
આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ કરમસદ સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે તેઓ પહોંચ્યા ત્યારે દરવાજા બહારથી કોઈ વ્યક્તિ લખાવી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું પરંતુ તેઓને જોતા જ તે વ્યક્તિ ભાગી ગયો હતો. આ અંગે પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. હાલ ડીવીડ મેળવવામાં આવી છે અને જવાબો લખાવનાર વ્યક્તિ કોણ હતું અને કેવી રીતે પરીક્ષા ખંડમાં આવ્યો તે દિશામાં વધુ તપાસ ચાલુ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.