પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર ભૂગર્ભમાં
- બળાત્કારી પાલિકા સભ્યને પકડવામાં આણંદ ટાઉન પોલીસના આંખ આડા કાન
- કાઉન્સિલરના બે ભાઈઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઈ : પીડિતાનો કરમસદ ખાતે ડીએનએ ટેસ્ટ કરાયો
ભાજપ શાસિત આણંદ નગરપાલિકાના વોર્ડ નં.૬ના ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) એ શનિવારે રાત્રે પોતાના વોર્ડમાં રહેતી એક પરિણીતાને ઘરમાં ઘુસી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન મહિલાનો પતિ આવી જતાં તેણે કાઉન્સિલરને પકડી લીધો હતો. બુમાબુમ થતાં સ્થાનિકો એકત્ર થઈ ગયાં હતાં.
સ્થાનિકોએ કાઉન્સિલરને માર મારી ઘરમાં પૂરી દીધો હતો. ત્યારે કાઉન્સિલરે પોતાના સાગરિતોને જાણ કરતા તેના બંને ભાઈઓ અને સાગરિતો લાકડી, પાઈપ સહિતના હથિયારો સાથે આવ્યા હતા. શખ્સોએ પરિણીતાના પરિવાર સહિત સ્થાનિકો સાથે મારામારી કરી કાઉન્સિલરને ઘરમાંથી છોડાવી ગયા હતા. તેમજ કોઈને કહેશો કે પોલીસ ફરિયાદ કરશો તો જોવા જેવી થશે તેવી ધમકી આપતા ગયા હતા.
જેથી પરિવારજનો સહિત સ્થાનિકો આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. જ્યાં પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા અંગે આનાકાની કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો અને સ્થાનિકોએ હોબાળો મચાવતા આખરે પોલીસે ભાજપના કાઉન્સિલર વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસ વહેલી તકે કાઉન્સિલરની ધરપકડ કરશે તેવી હૈયાધારણા આપી હતી.
જોકે, સ્થાનિકોએ હુમલો કરતા કાઉન્સિલર દીપુ પ્રજાપતિને ઈજા પહોંચી હતી. જેથી તેને સૌપ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. તેવામાં કાઉન્સિલર ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આણંદ જિલ્લા ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, આરોપી કાઉન્સિલર ઘરેથી જતો રહ્યો છે. જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
જ્યારે પીડિતાને કરમસદની હોસ્પિટલમાં લઈ જઈ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ એક-બે દિવસમાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
મુખ્ય આરોપી હજૂ સુધી પકડાયો નથી : આણંદ ટાઉન પીઆઈ
આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પીઆઈ વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજૂ સુધી પકડાયો નથી પરંતુ મારામારીમાં સામેલ તેના બે ભાઈઓ કમલેશ પ્રજાપતિ અને ભરત પ્રજાપતિની ધરપકડ કરી તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
કાઉન્સિલરને જ્ઞાતિની સમિતિઓમાંથી પણ દૂર કરવાની શક્યતા
આણંદના અંબિકા ચોક પાસે કચ્છી પ્રજાપતિ સમાજની બેઠક મળી હતી. જેમાં કેટલાક યુવકોએ દીપુ પ્રજાપતિને જ્ઞાતિ બહાર કાઢી મૂકવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, શખ્સને સમાજની સમુહ લગ્ન સમિતિ, મંદિરની સમિતિ તથા લગ્નની વાડી સમિતિમાંથી સભ્ય પદેથી દૂર કરવા આગામી દિવસોમાં ફરી બેઠક યોજી નિર્ણય લેવાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કાઉન્સિલરનું સભ્યપદ રદ્દ કરવા પક્ષ કાર્યવાહી કરશે
આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞોશ પટેલે જણાવ્યું હતું કે, દીપુ પ્રજાપતિને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો છે. તે ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલો સભ્ય ગણાય નહીં પરંતુ અપક્ષ સભ્ય ગણાય. ભવિષ્યમાં તેનુ સભ્યપદ રદ્દ કરવા માટે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.