આઇશરે ટક્કર મારતા બાઇક સવાર યુવકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
આઇશરે ટક્કર મારતા બાઇક સવાર યુવકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત 1 - image


- આસોદર ચોકડી બ્રીજ નજીક બનેલો બનાવ

- ખંભાતના ઉંદેલ ગામેથી વાસદ બાઇક પર જતાં બે મિત્રોને અકસ્માત નડયો

આણંદ : આણંદ જિલ્લાના વાસદ-બગોદરા હાઈવે માર્ગ પર આવેલ આસોદર ચોકડી બ્રીજ નજીક આજે સવારના સુમારે એક આઈશર ટેમ્પાએ મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર એક યુવકનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા ટેમ્પાચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતો ૨૦ વર્ષીય રાજ દક્ષેશભાઈ પટેલ વાસદની આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. આજે  સવારના સુમારે રાજ પટેલ બુલેટ મોટરસાયકલ લઈને ઉંદેલથી વાસદ જવા નીકળ્યો હતો. રસ્તામાંથી  રાજના મિત્ર જયેશભાઈ પરમાર પણ મોટરસાયકલ પર સવાર થયા હતા. બંને મિત્રો વાસદ-બગોદરા હાઈવે પર આવેલ આંકલાવ તાલુકાની આસોદર ચોકડી નજીકના બ્રીજ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. 

ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલ એક આઈશર ટેમ્પા સાથે મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકકસ્માત રજ્યો હતો. આ અકસ્માતમાં બંને મિત્રો મોટરસાયકલ પરથી રોડ પર પટકાયા હતા. અકસ્માતને લઈ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 

ગંભીર રીતે ઘવાયેલ રાજ પટેલને સારવાર અર્થે બોરસદના સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેની સાથે તેના મિત્ર જયેશભાઈ વિઠ્ઠલભાઈ પરમારને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. 

આ બનાવ અંગે આંકલાવ પોલીસે ભરતકુમાર જયંતિભાઈ પટેલની ફરિયાદના આધારે આઈશર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News