બોરિયાવી બ્રિજ પાસે ટ્રકની પાછળ ઘુસી જતાં બાઈક ચાલકનું મોત
- ઝડપની મજા, મોતની સજા
- ઉત્તરસંડાનો યુવક ચિખોદરા ચોકડીએ દુકાનેથી નોકરી પૂરી કરી ઘરે જતો હતો
ઉત્તરસંડા ગામના ચકલાસી ભાગોળ જનતા નગરીમાં રહેતા કિરણકુમાર કાંતિભાઈ મકવાણા રવિવારે આણંદની ચીખોદરા ચોકડી ખાતે આવેલી દુકાનેથી નોકરી પૂર્ણ કરી મોટરસાયકલ લઈ ઉત્તરસંડા પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન તેની મોટરસાયકલ નેશનલ હાઈવે નં.૪૮ ઉપર બોરિયાવી બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી.
ત્યારે કિરણભાઈએ પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફીકરાઈથી હંકારી લાવી આગળ જઈ રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં કિરણભાઈને માથા તેમજ શરીરે વધતા ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરાતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને આણંદની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો.
આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.