બોરસદ શહેરમાં આવેલા ભાઈશ્રી મોલના સિનેમાગૃહને સીલ મરાયું

Updated: May 31st, 2024


Google NewsGoogle News
બોરસદ શહેરમાં આવેલા ભાઈશ્રી મોલના સિનેમાગૃહને સીલ મરાયું 1 - image


- ફાયર સેફ્ટી મામલે રહી રહીને તંત્ર જાગ્યું

- ટીમો દ્વારા પેટ્રોલપંપ, મોલ અને દારૂખાનાની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ 

આણંદ : બોરસદ પ્રાંત અધિકારી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફાયર અંગે તપાસ હાથ ધરી અનેક વ્યવસાયોને નોટિસ આપી બંધ કરવા આદેશ કરાયો છે. જો કે અગાઉ પણ ઘણી વખત આ રીતે કામગીરી કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ સાથે આ વખતે પણ નાટક કરાઈ રહ્યું હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે.

નોંધપાત્ર છેકે અગાઉ વર્ષ ૨૦૧૯માં તક્ષશિલામાં બનેલ આગના બનાવને પગલે બોરસદમાં ૧૬ એકમોને નોટિસ અપાઈ હતી જ્યારે ભરૂચની હોસ્પિટલમાં આગની ઘટના બાદ પણ બોરસદની ૧૮ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરાતા માત્ર એક જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટની સુવિધા મળી આવી હતી જ્યારે ૧૭ હોસ્પિટલોમાં સુવિધા ન મળતા નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે બાદમાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. 

તેવામાં તાજેતરમાં રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલ આગની દુર્ઘટના બાદ સરકારી તંત્ર પુનઃ જાગ્યું છે અને તપાસનો ધમધમાટ તેજ કરાતા આણંદ જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં ગેમઝોન, પાર્ક, સિનેમાગૃહો, મોલ સહિતની જગ્યાઓ ઉપર ફાયર અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત બોરસદ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ મિટીંગમાં મામલતદાર, પી.આઈ. તાલુકા વિકાસ અધિકારી, રૂરલ પી.એસ.આઈ., ભાદરણ પીએસઆઈ તેમજ નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા. 

મીટીંગ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાતા બોરસદ શહેરમાં આવેલ ભાઈશ્રી મોલના સિનેમાગૃહને સીલ મરાયું હતું. ટીમો દ્વારા પેટ્રોલપંપ, મોલ અને દારૂખાનાની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સીંગલાવ રોડ ઉપર આવેલ હિમાલયા પ્રોડક્ટ, સાબુની ફેક્ટરી, મેરુ શિખર પ્રોડક્ટ ફેક્ટરી, વહેરા રોડ ઉપરના કેફે ૩ પીએમ, ભાઈશ્રી મોલમાં આવેલ વી.એસ.ટયુશન ક્લાસીસ, સંકેત સેલ્સ શોરૂમ અને અક્ષર મોલમાં આવેલ નેક્સેસ સિનેમાને નોટિસ આપીને વ્યવસાય બંધ કરવા આદેશ કરાયો છે.


Google NewsGoogle News