Get The App

ત્રિકોણિય પ્રેમ સંબંધમાં બેડવાના આધેડની હત્યા, આરોપીની ધરપકડ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ત્રિકોણિય પ્રેમ સંબંધમાં બેડવાના આધેડની હત્યા, આરોપીની ધરપકડ 1 - image


- કેટરિંગમાં રસોઇ પિરસતા એક યુવતી સાથે બે જણાને પ્રેમ થઇ ગયો

- યુવતીનો મોબાઇલ ચકાસતા બીજા પ્રેમસંબંધની જાણ થતા એક પ્રેમીએ બીજા પ્રેમીનું કાસળ કાઢી નાંખ્યુ

આણંદ : વઘાસી ગામની સીમમાં પાર્ટીપ્લોટની બહાર થયેલી બેડવા ગામના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આધેડ અરવિંદભાઈને બોરિયાવીની ત્યક્તા સાથે લગ્નેત્તર સંબંધ હતા. તે યુવતીને રિક્ષા ચાલક સાથે પણ સંબંધ હોવાથી રિક્ષા ચાલક જાવેદ મલેકે આધેડની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.  

આણંદના ડીવાયએસપી જે.એન.પંચાલના જણાવ્યા મુજબ, ગત શનિવારે સવારે બેડવાના અરવિંદભાઈ પટેલનો મૃતદેહ વઘાસી ગામની સીમમાં આવેલા સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટીપ્લોટ બહારથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવની રાત્રે એક શખ્સ અરવિંદભાઈને એક્ટીવા ઉપર બેસાડી લઈ જતો નજરે પડયો હતો. મોબાઈલ કોલ્સની ડીટેઈલ્સ કઢાવતા અરવિંદભાઈએ રાત્રે બોરીયાવી ગામની એક ત્યક્તાને ફોન કર્યો હોવાનું ખુલ્યું હતું. જેથી તેની પુછપરછ કરતા તેના પ્રેમી જાવેદ મહંમદભાઈ મલેક (રહે. કણજરી)નું નામ ખુલ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.બોરીયાવી ગામની યુવતીના થોડા સમય પૂર્વે પતિ સાથે છુટાછેડા થયાં હતાં અને તેણી કેટરીંગમાં રસોઈ પીરસવા જતી હતી. જેથી અરવિંદભાઈ સાથે સંબંધ બંધાયો હતો. છેલ્લા છએક માસથી કણજરીનો જાવેદ પણ રિક્ષા ડ્રાઈવીંગની સાથે સાથે કેટરીંગમાં પીરસવા માટે જતો હોય તેને પણ ત્યક્તા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બનાવની રાત્રે જાવેદ યુવતીના ઘરે ગયો હતો. જ્યાં તેણીના મોબાઈલમાં તપાસ કરતા અરવિંદભાઈના કોલ્સ આવેલા હોવાથી જાવેદે અરવિંદભાઈને ફોન કરી પુછપરછ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં આ બાબતે વાતચીત કરવા માટેનું જણાવી જાવેદ એક્ટીવા લઈ બેડવા ખાતે ગયો હતો અને સાંજે અરવિંદભાઈને પોતાના એક્ટીવા ઉપર બેસાડી સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટીપ્લોટ પાસે લઈ ગયો હતો. 

જ્યાં બંને વચ્ચે ઉગ્ર તકરાર થતા જાવેદે છરો કાઢી અરવિંદભાઈ ઉપર હુમલો કરી હત્યા કરી નાખી ફરાર થઈ ગયો હતો. હત્યા કર્યા બાદ જાવેદ યુવતીના ઘરે ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. યુવતીએ પોલીસ મથકે હાજર થવાનું તેને કહ્યું હતું. 

જેથી બંને પોલીસ મથક નજીક પણ ગયા હતા પરંતુ ગભરાઈ જતા ત્યાંથી બંને ફરાર થઈ ગયા હતા અને યુવતી પોતાના ઘરે આવી ગઈ હતી, જ્યારે જાવેદ ફરાર થઈ ગયો હતો.


Google NewsGoogle News