Get The App

નાયબ મામલતદાર તથા તેના મળતિયાની જામીન અરજી નામંજૂર

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
નાયબ મામલતદાર તથા તેના મળતિયાની જામીન અરજી નામંજૂર 1 - image


- આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમ લગાવવાના મામલામાં 

- નિવાસી અધિક કલેક્ટરની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી

આણંદ :  આણંદ જિલ્લાના તત્કાલીન કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવવા માટે કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમ મુકવા મામલે જેલની હવા ખાઈ રહેલ નાયબ મામલતદાર તથા તેના મળતીયાની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિવાસી અધિક કલેક્ટરની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી.

આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવવા માટે નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ તેમજ નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેના સાગરિતે ભેગા મળી કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવ્યો હતો અને કલેક્ટરનો એક યુવતી સાથેનો આપત્તિજનક  વિડીયો સ્પાય કેમમાં ઉતારી વાયરલ કર્યો હતો.

 આ મામલામાં એટીએસની ટીમે ત્રણેયને ઝડપી પાડયા હતા અને આણંદ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ આણંદ એલસીબીની ટીમ દ્વારા તેઓની ધરપકડ કરી આણંદની કોર્ટમાં રજૂ કરાયા હતા. હાલ નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ નડિયાદની બીલોદરા જેલમાં છે જ્યારે નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેનો સાથીદાર હરીશ ચાવડા આણંદની સબ જેલમાં છે. થોડા દિવસો પૂર્વે કેતકીબેન વ્યાસે આણંદની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.  લગભગ બે મુદત બાદ તેઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી ત્યારે હવે નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને હરીશ ચાવડાએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે ગત રોજ ચીફ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઈમમોરલ ટ્રાફિકિંગની કલમ સહિત વધુ 3 કલમો ઉમેરાઇ

આણંદના તત્કાલીન કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવવા સ્પાય કેમ ગોઠવવાના કેસમાં નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેના મળતીયા હાલ જેલની હવા ખાઈ રહ્યાં છે ત્યારે આ કેસની તપાસ કરતી આણંદ એલસીબી પોલીસ દ્વારા તેઓ વિરુધ્ધ ઈમમોરલ ટ્રાફીકીંગની કલમ સહિત વધુ ત્રણ કલમો ઉમેરવામાં આવી છે. તપાસ કરી રહેલ પોલીસ દ્વારા ૫૧ જેટલા સાક્ષીઓ તપાસી સાહેદોના નિવેદનો લીધા બાદ આરોપીઓ સામે અન્ય કલમો ઉમેરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


Google NewsGoogle News