પાણીમાં કેફી પદાર્થ પીવડાવી સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ
- આણંદ જિલ્લાના એક ગામનો બનાવ
- સ્થાનિકો આવી જતાં બે શખ્સો નાસી છુટયા : બંને શખ્સો તથા મદદગારી કરનાર સગીરાને ડીટેઈન કર્યાં
આણંદ જિલ્લાના એક ગામમાં સગીરા રવિવારે રાત્રે પોતાના ઘરે હતી. ત્યારે ગામમાં રહેતી તેની સગીર બહેનપણી તેના ઘરે ગઈ હતી અને રાત્રે ૧૦ વાગ્યા આસપાસ તેણીને ગામમાં આવેલી શાળામાં બેસવા લઈ ગઈ હતી. જ્યાં મુકેશભાઈ ભીમસિંહ પઢિયાર અને સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણ હાજર હતા.
દરમિયાન સગીરાને પાણીની તરસ લાગતા સંજયે તેની પાસે રાખેલી બોટલમાંથી સગીરાને પાણી પીવડાવ્યું હતું. જોકે, પાણીમાં કોઈ કેફી પદાર્થ ભેળવેલો હોવાથી ધીરે ધરી સગીરા મુર્છીત થવા લાગી હતી. ત્યારે બંને શખ્સોએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરતા સગીરા ડઘાઈ ગઈ હતી અને તેણે પ્રતિકાર કર્યો હતો.
સગીરાએ બુમાબુમ કરતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેથી બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પરિવારે સગીરાને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી.
આ અંગે ખંભળોજ પોલીસે મુકેશ ભીમસિંહ પઢિયાર, સંજય સુરેશભાઈ ચૌહાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને ડીટેઈન કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
ઘટના બની ગયા બાદ હવે પોલીસ સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવશે
આણંદમાં અનેક સ્થળોએ સાઉન્ડ સીસ્ટમ સાથે મોડી રાત સુધી ગરબા ચાલે છે. ત્યારે ખંભોળજ નજીકના ગામે દુષ્કર્મના પ્રયાસ અંગે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા એસ.બી.કુંપાવતે જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ સ્થળોએ એન્ટી રોમીયો સ્કવોર્ડ તૈનાત કરવામાં આવી છે. આણંદ-વિદ્યાનગરમાં એલસીબી અને એસઓજીની ટીમ સહિત ઘોડા પોલીસ પાર્કિંગવાળી જગ્યાએ સતત પેટ્રોલીંગ કરે છે. આણંદ નજીકના જોળ નહેર સહિતની અવાવરું જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવે છે. મોટા ગરબા સ્થળોએ ડ્રોન મારફતે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ખંભોળજ નજીકના ગામે બનેલી ઘટના બાદ પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવાશે તેવી હૈયાધારણા આપી હતી.