86 વર્ષની ઉંમરે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી
- સરકારી ફરજમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ
આણંદ : ''મૈં ૬૦ સાલ સે વોટ કરતા રહા હું... અભી મેરી ઉંમર ૮૬ સાલ કી હૈ... મૈને ભી મેરી ગર્વમેન્ટ જોબ મે તીન ઈલેક્શન કરવાયે હૈ.... પ્રીસાઈડીંગ ઓફિસર કી ડયુટી નિભાઈ થી... મૈં પાલી ડિસ્ટ્રીક્ટ મે ડેપ્યુટી કલેક્ટર થા...'' આ શબ્દો છે, આણંદમાં રહેતા નિવૃત્ત નાયબ કલેક્ટર મુલચંદભાઈ વ્યાસના.
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરી તેમના પરિવાર સાથે જ્યારે મંગળપુરા સ્થિત મતદાન મથકે પહોંચ્યા તે સમયે મતદાન મથકમાંથી મતદાનની ફરજ બજાવી એક પ્રૌઢ દંપત્તિ લાકડીના ટેકે ધીમે ધીમે બહાર આવતુ હતું.
તેમને જોઈ જિલ્લા ચૂંટણી અધિકારીએ આદરભાવ સાથે તેમની આ ઉંમરે પણ મતદાન કરવાની ભાવનાને બિરદાવતા ૮૬ વર્ષીય વડીલે બહુ જ નમ્રભાવે તેમની ઓળખાણ આપી તેઓ એક સમયે લોકશાહીના આ પર્વનો ભાગ રહી ચુક્યા હોવાનું જણાવ્યું હતું. ભૂતકાળમાં તેમણે લોકશાહી પર્વ સમી ત્રણ-ત્રણ ચૂંટણીઓમાં પ્રિસાઈડીંગ અધિકારીની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હોવાનું જણાવી હવે નિવૃત્તિ પછીના સમયમાં પણ પ્રત્યેક ચૂંટણીઓમાં તેમની ફરજ અચૂક બજાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ધન્ય છે આવા વડીલોને કે જેમણે સરકારી ફરજમાંથી નિવૃત્ત થયા પછી પણ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજમાંથી ક્યારેય નિવૃત્તિ નથી લીધી અને ૮૬ વર્ષની ઉંમરે પણ અન્યોને મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે.