Get The App

આણંદ શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં અશાંત ધારો લાગુ

Updated: Dec 6th, 2019


Google News
Google News
આણંદ શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં અશાંત ધારો લાગુ 1 - image

અમદાવાદ, તા. 06 ડિસેમ્બર 2019, શુક્રવાર

રાજ્ય સરકારે આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ જોગવાઈને કારણે હવેથી સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી-મંજૂરી લેવાની રહેશે.

આ નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.

આ સિવાય આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સી.પી. કોલેજ, 100 ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઇન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બઝાર, 80 ફૂટના રોડ, ડી. ઝેડ. હાઇસ્કૂલ, ઋતુ આઇસક્રીમ, એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હોસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઇ છે.

કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ તમામ કોમ વચ્ચે એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટરે આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે અનુમોદન આપી, જનહિતને ધ્યાને લઇને આણંદ શહેરના આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
Tags :