યુનિવર્સિટીઓ, સંસ્થાઓના રબર સ્ટેમ્પ બનાવનાર શખ્સની ધરપકડ
- પેટલાદના બનાવટી માર્કશીટ કૌભાંડમાં
- સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત પેટલાદના શખ્સની પુછપરછ હાથ ધરાઈ
પેટલાદના સરદાર પટેલ સુપરમાર્કેટમાં આવેલી વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસ નામની ઓફિસમાં ગત અઠવાડિયે આણંદ એસઓજીએ દરોડો કરી બનાવટી માર્કશીટ અને દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડયું હતું.
એસઓજીએ ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના ૧૯૯ બનાવટી માર્કશીટો અને દસ્તાવેજો સહિત રૂ.૬૬ હજારના મુદ્દામાલ સાથે કિરણકુમાર ગાંડાભાઈ પટેલ (રહે. શેખડી)ને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી. તેની પાસેથી મળી આવેલા અલગ-અલગ સંસ્થા અને યુનિવર્સિટીઓના રબર સ્ટેમ્પ મનુભાઈ ઉર્ફે લાલો ઉર્ફે મુકેશભાઈ સોમાભાઈ કાછીયા (રહે. રૂવાની શેરી, વડકુવા, પેટલાદ)એ બનાવી આપ્યા હોવાનું ખૂલ્યું હતું.
જેથી પોલીસે શુક્રવારે મનુભાઈ ઉર્ફે લાલોને ઝડપી પાડયો હતો. તેની પાસેથી વિવિધ સંસ્થા અને યુનિવર્સિટીઓના રબર સ્ટેમ્પ બનાવવા માટે ઉપયોગમાં લીધેલા બે મશીનો, રબર સ્ટેમ્પ બનાવવાની ૧ રબાર શીટ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.