આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની બજેટમાં જાહેરાત
- આણંદવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ
- ગ્રાન્ટ વધુ મળશે, શહેર સહિતના આજુબાજુના વિસ્તારોનો વિકાસ થશે
આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવાની કવાયત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. શુક્રવારે આ કવાયતમાં નગરજનો માટે સારા સમાચાર સાંપડયા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતના સાત શહેરોને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ હતી.
મહાનગર પાલિકાનો દરજ્જો મળતાની સાથે જ આણંદમાં નવી ભરતીઓ થશે, આરોગ્ય, શિક્ષણ, સફાઇ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતની વિવિધ સુખાકારીમાં વધારો થશે. તળાવોનો વિકાસ, નવા રોડ બનવા, શહેરનો આયોજનબદ્ધ રીતે વિકાસ થશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વધુ ગ્રાન્ટો મળશે.
જેમાં આણંદનો પણ સમાવેશ થતા શહેરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ટૂંક સમયમાં આણંદને મહાનગરનો દરજ્જો મળશે તે આશા સાથે આણંદ શહેર ભાજપ દ્વારા સાંજના સુમારે આણંદ નગરપાલિકા ખાતે સરકારના આ નિર્ણયને વધાવી ઉજવણી કરવામાં આવી હતી.
શ્વેતનગરી તરીકે ઓળખ ધરાવતા આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા આણંદવાસીઓની સુવિધા અને સુખાકારીમાં ઉમેરો થશે તેવી નગરજનોમાં આશા સેવાઈ રહી છે.
મહાનગરપાલિકા બનતા લોકોને મળનારા લાભો
(૧) મ્યુનીસીપલ કમીશનર તરીકે આઈએએસ કક્ષાના અધિકારીની નિમણૂંક થશે
(૨) રાજ્ય , કેન્દ્ર સરકારની વધુ ગ્રાન્ટ મળતા વિકાસના કામોને વેગ મળશે
(૩) મહાનગરપાલિકાનો વિસ્તાર ચાર ઝોનમાં વેચાશે, જેથી વ્યવસ્થિત કામગીરીનું મુલ્યાંકન થશે
(૪) અલગથી નિયમિત ફાયર, આરોગ્ય અને ફૂડ ઓફિસરોની નિમણુંક કરાશે
(૫) જિલ્લા પંચાયત હસ્તકની શાળાનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે
(૬) વિકાસશીલ વિસ્તાર હોવાથી વધારાની ગ્રાન્ટ મળવાની પણ શક્યતાઓ રહેશે
(૭) જન્મ-મરણ, આવક, મેરેજ સર્ટીફીકેટ સહિતની વહિવટી કામગીરી સરળ અને ઝડપી બનશે
સુવિધાઓ સાથે કરવેરાનું ભારણ વધશે
(૧) હાલના કરવેરા કરતા શહેરીજનો અને ઉદ્યોગકારોને સ્લેબ મુજબ વધુ કરવેરો ચુકવવો પડશે
(૨) વાહનની ખરીદી ઉપર પણ ટેક્સ લાગશે
(૩) ઘણા વર્ષોથી બાકી હાઉસટેક્ષ સહિતના વેરાઓ વ્યાજ સાથે ભરવા પડશે
(૪) મ્યુ.કમીશનરની સત્તા વધુ હોવાથી વિકાસના કામોમાં વધારો અને ઝડપથી થશે