વિદ્યાનગર અને કરમસદ પાલિકા માટે મહિલા પ્રમુખપદ જાહેર થતાં અવઢવની સ્થિતિ
- નવ પાલિકામાં પ્રમુખ પદ માટે રોસ્ટર નક્કી કરાયું
- બંને શહેરોને આણંદ મહાનગર પાલિકામાં સમાવવાની જાહેરાત કરાઈ હતી : વિદ્યાનગર પાલિકામાં હાલમાં વહીવટદાર શાસન
આણંદ : આણંદ જિલ્લાની નવ નગરપાલિકાઓમાં આગામી ટર્મ માટે પ્રમુખપદ પર મહિલા અનામત અંગેની જાહેરાત થતાં ગુંચવાડો સર્જાયો છે. વિદ્યાનગર અને કરમસદ શહેરનો આણંદ મહાનગર પાલિકામાં સમાવેશ થવાની જાહેરાત વચ્ચે બંને પાલિકામાં પ્રમુખપદ માટે મહિલા અનામત જાહેર કરાતા અનેક તર્ક-વિતર્ક ચર્ચાની એરણે ચઢ્યા છે.
આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીઓમાં પ્રમુખપદ માટેની બેઠકોનું રોસ્ટર મુજબ રોટેશન નક્કી કરાયું છે. જેમાં આણંદ જિલ્લાની નવ નગરપાલિકાઓમાં પ્રથમ ટર્મમાં પ્રમુખપદનું સુકાન મહિલાઓ સંભાળશે.
અગાઉ કરમસદ અને વિદ્યાનગરનો આણંદ મહાનગર પાલિકામાં સમાવેશ થવાનો હોવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે આ બંને પાલિકાઓમાં પ્રમુખપદ માટે મહિલાઓની બેઠક અનામત જાહેર કરાતા ગુંચવાડો સર્જાયો છે.
વિદ્યાનગર પાલિકામાં બે વર્ષ અગાઉ મુદ્દત પૂરી થઈ ગઈ છે પરંતુ કોર્પોરેશનમાં સમાવેશ થવાની ગણતરીઓને લઈને વિદ્યાનગર પાલિકામાં ચૂંટણી યોજાઈ ન હતી અને વહીવટદારની નિમણૂંક કરાઈ હતી.