આણંદ જિલ્લાની આંગણવાડી બહેનોને ઓગષ્ટ માસનો પગાર ન મળતા આક્રોશ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
આણંદ જિલ્લાની આંગણવાડી બહેનોને ઓગષ્ટ માસનો પગાર ન મળતા આક્રોશ 1 - image


- 3,800 થી વધુ બહેનો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ

- તહેવારો ટાણે જ પગાર ન થતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું, પગાર સત્વરે કરવા માંગ

આણંદ : આણંદ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં ફરજ બજાવતા ૩૮૦૦થી વધુ બહેનોને ઓગષ્ટ માસનો પગાર ન મળતા આર્થિક સંકડામણ અનુભવી રહી હોવાની ફરીયાદો ઉઠી છે. તહેવારોની મોસમમાં પગાર ન થતા તહેવારોની ઉજવણી ફીક્કી પડી હોવાનો સૂર આંગણવાડી બહેનોએ વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ આણંદ જિલ્લામાં આવેલ ૧૯૨૦થી વધુ આંગણવાડીમાં ૩૮૪૦ જેટલી આંગણવાડી બહેનો અને સહાયક બહેનો ફરજ બજાવે છે. સરકાર તરફથી આંગણવાડી બહેનોને વેતન ચૂકવવામાં આવે છે. 

જો કે છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનોને ચૂકવવામાં આવતું વેતન અનિયમિત મળતું હોવાની ફરિયાદો વચ્ચે ઓગષ્ટ માસનું વેતન સપ્ટેમ્બર માસ પૂર્ણ થવાને આરે હોવા છતાં ન મળ્યું હોવાનું આંગણવાડી કાર્યકર્તાઓ જણાવી રહી છે.

 જેને પગલે સામાન્ય પરિવારની મહિલાઓ આર્થિક સંકડામણ અનુભવી રહી છે. ઉપરાંત છેલ્લા આઠ માસથી બાળકોના નાસ્તા બનાવવા માટે આંગણવાડીમાં લાવવામાં આવેલ વિવિધ મસાલાના બિલ પણ મંજૂર ન થયા હોવાનું જાણવા મળ્યું છે. 

તહેવારોની મોસમ ટાણે પગાર ન મળતાં સામાન્ય પરિવારની મહિલાઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ અંગે આઈસીબીએસના ઈન્ચાર્જ અધિકારી પૂર્વીબેન નાયકે જણાવ્યું હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનોને રાજ્ય સરકાર દ્વારા વેતન ચૂકવવામાં આવે છે જે તેમના બેંક ખાતામાં જમા થાય છે જેથી સ્થાનિક કક્ષાએથી વેતન અંગેની કોઈ કાર્યવાહી કરવાની થતી નથી.


Google NewsGoogle News