આણંદના જ્વેલર્સ અને બિલ્ડરોના ત્યાં 5 સ્થળોએ આઈટી વિભાગની રેડ
- મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- 5 ટીમોએ પોલીસ અને એસઆરપી બંદોબસ્ત સાથે દરોડા પાડયા
આણંદ : આણંદ શહેરના જ્વેલર્સ તથા બિલ્ડર સહિતના પાંચ સ્થળોએ બુધવારે વહેલી સવારથી જ આઈટી વિભાગની પાંચ ટીમોએ દરોડા પાડી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબા સમય સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની શક્યતાઓ છે. આઈટી વિભાગની પાંચ જેટલી ટીમોએ બિલ્ડરોની ઓફિસો તથા રહેણાંક મકાન ખાતે તપાસ હાથ ધર્યું હોવાના અહેવાલ સાંપડયા છે.
અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિતની આઈટી વિભાગની પાંચ જેટલી ટીમોએ બુધવારે વહેલી સવારથી જ આણંદ શહેરમાં ધામા નાખ્યા હતા અને પોલીસ તથા એસઆરપી બંદોબસ્ત સાથે આણંદ શહેરના અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા પાડયા હતા.
જેમાં આણંદ શહેરના રાધે જ્વેલર્સ તેમજ બિલ્ડરો જે.ડી. પટેલ બિલ્ડર, નારાયણ બિલ્ડર, ક્રિષ્ના રીયાલીટીની આણંદ નવા બસ મથક નજીક આવેલા વૈભવ કોમર્શિયલ ટાવર ખાતેની ઓફિસો તથા બિલ્ડરોના રહેણાંક મકાન ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગની ટીમોએ તમામના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ત્યારબાદ તેઓની ઓફિસ ખાતે પણ પહોંચી હિસાબોના ચોપડા તથા લેવડદેવડની વિગતો બિલો સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. જે જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડયા તે તમામ જગ્યાઓએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. આણંદના બિલ્ડર ગુ્રપ તથા તેઓને ત્યાં કામ કરતા કર્મચારીઓની તમામ વિગતો મેળવી આઈટી અધિકારીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ શહેરમાં વહેલી સવારથી જ આઈટી વિભાગની ટીમો ત્રાટકતા કેટલાક મોટા ગજાના વેપારીઓએ પોતાના વેપાર-ધંધાને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. જો કે આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન અંગે કોઈપણ પ્રકારની વિગતો આપવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે ઉચ્ચ કક્ષાએથી આ અંગે માહિતી આપવામાં આવશે તેમ જણાવાયું હતું.