આણંદની મહિલાને યુકેના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને રૂા.18.40 લાખ પડાવ્યા
રૂપિયા પરત લેવા જતા બેંગલોરની ઓફિસમાં તાળું મારેલું હતું
ખાનગી કંપનીના બે ડિરેક્ટરોએ વિશ્વાસ કેળવી મહિલાને વિઝા કે રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી ઃ અન્ય લોકો પણ ઠગાઈના ભોગ બન્યાની આશંકા
આણંદના વિદ્યા ડેરી રોડ પર આવેલી મંગલ નગર સોસાયટીમાં રહેતા રાજશ્રીબેન જેકીભાઈ પરમાર ગત તા. ૧૫-૮-૨૦૨૩ના રોજ મોબાઈલમાં આઈ ઈ ફોર યુ ગ્લોબલ પ્રા.લીની એક જાહેરાત જોઈ યુકેના વર્ક પરમીટ વિઝા માટે જાહેરાતમાં આપેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેમાં જુહાલ સિરાજ કે. નામના વ્યક્તિએ તેઓની સાથે વાત કરી કંપનીમાં રજીસ્ટ્રેશન કરવા સાથે ૧૮.૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. બાદમાં તા.૧૭-૮-૨૦૨૩ના રોજ પ્રોસેસ ચાલુ કરવા માટે રાજેશ્રીબેને સામે વાળાના એકાઉન્ટમાં રૂપિયા ત્રણ લાખ મોકલી આપતા સ્પોન્સર લેટર મોકલી આપ્યો હતો. અમે વર્ષ ૨૦૧૪થી યુકેના વર્ક પરમિટ વિઝાનું કામ કરીએ છીએ તેમ જણાવી પાકો વિશ્વાસ પણ આપ્યો હતો. બાદમાં તા. ૯-૯-૨૦૨૩ ચુરાલ સીરાજે ફોન કરીને રૂપિયા ૧૫ લાખ મોકલી આપો તમારી ટિકિટ, નોકરી તથા રહેવાની વ્યવસ્થા કરાવી દઈશું. તેમ જણાવતા રાજેશ્રીબેને રૂા. ૧૫.૪૦ લાખ મોકલી આપતા સામે ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર રૂપિયા ૧૮ લાખ મળ્યાનો એગ્રીમેન્ટ લેટર તેઓને મળ્યો હતો. ઘણો સમય વીતિ જવા છતાં વિઝાની પ્રોસેસ ન થતા યુકેમાં હાલ ચૂંટણી ચાલી રહી છે તેવું બહાનું બતાવ્યું હતું. ચૂંટણી પતી ગયા બાદ પણ વિઝા ન મળતા રાજેશ્રીબેને નાણા પરત માંગતા ડાયરેક્ટર શ્રીજેશ પી સંકરણે બેંગ્લોર આવી જાવ તમારી ટિકિટ કરાવી દઉં છું તેમ કહેતા તેણી તા. ૬-૧૧-૨૦૨૩ના રોજ પતિ સાથે બેંગ્લોર સ્થિત ઓફિસે જતા ઓફિસ ખાતે તાળું મારેલું હતું. ત્યાં અન્ય રાજ્યોમાંથી પણ વિદેશ વાંચ્છુઓ પોતાના પૈસા પરત લેવા આવતા હોવાનું જાણવા મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવતા રાજેશ્રીબેન પરમારે આ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.