આણંદના તુલસી ગરનાળાથી મોગરી જતાં કાંસની સફાઈમાં વેઠ ઉતારાઈ
- કલેક્ટર સ્થળ તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ
- સફાઈના દાવા વચ્ચે ગંદકી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય હજુ પણ યથાવત
આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત યોજાયેલી બેઠકમાં એમજીવીસીએલ, કાંસ વિભાગ તથા પાલિકા જેવા વિવિધ વિભાગોને ચોમાસા દરમિયાન સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા સૂચિત કરાયા હતા. પરંતુ આણંદ જિલ્લામાં પ્રિ-મોન્સૂનની કામગીરી ઠેકઠેકાણે અધૂરી અથવા તો નહિંવત્ કામગીરી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.
આણંદ શહેરના તુલસી ગરનાળા સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી વિવિધ કાંસમાં સાફસફાઈ કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું હતું. જો કે, કાંસ વિભાગ દ્વારા તુલસી ગરનાળાથી મોગરી સુધીના કાંસની સાફસફાઈ કરવામાં આવી હોવાના દાવા માત્ર કાગળ પર જ રહ્યાં હોવાનો રોષ જાગૃતોએ ઠાલવ્યો છે.
અમીન ઓટોથી મોગરી તરફ જતા કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જેને લઈ કાંસ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે. ચોમાસા દરમિયાન વિવિધ કાંસમાં ફેલાયેલી જંગલી વનસ્પતિ અને ગંદકીના કારણે વરસાદી પાણી અવરોધાતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સ્થળ મુલાકાત કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.