આણંદ તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
- સતત ચોથા દિવસે મેઘ મહેર યથાવત્
- સોજિત્રામાં પોણા ચાર, તારાપુરમાં ત્રણ, પેટલાદમાં સવા બે, બોરસદમાં સવા, ઉમરેઠ અને આકલાંવમાં એક-એક ઇંચ વરસાદ
આણંદ, તા.9 ઓગષ્ટ 2020, રવિવાર
ચરોતર પંથકમાં લાંબા વિરામ બાદ ચાર દિવસથી સાર્વત્રિક મેઘ મહેર થતાં ખરીફ પાકને વ્યાપક ફાયદો થયો છે તેમજ અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ આણંદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સોજિત્રા, તારાપુર સહિતના તાલુકામાં એકથી પોણાચાર ઇંચ સુધીનો વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.
આણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ઠેર-ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તો કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર અને પાલિકાતંત્રની ચાર ઇંચ વરસાદે જળબંબાકાર થતાં પોલ ખુલ્લી પડી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ આણંદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આણંદ તાલુકામાં ચાર ઇંચથી વધુ તેમજ સોજિત્રામાં પોણા ચાર, તારાપુર તલાુકામાં ત્રણ, પેટલાદ તાલુકામાં સવા બે, બોરસદ તાલુકામાં સવા ઇંચ અને ઉમરેઠ અને આંકલાવ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખંભાત તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં વરસ્યા હતાં. નોંધનીય છે કે ચોમાસાની સિઝનમાં પ્રારંભથી આણંદ જિલ્લામાં નહિવત વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરનું ધરૃ રોપી દેતાં ઉત્પાદન પર માઠી અસરની થવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ છેલ્લા ચાર દિવસથી જિલ્લાભરમાં હળવોથી ભારે વરસાદ ચાલુ રહેતાં ખરીફ પાકને જીવતદાન મળી ગયું છે. આ ઉપરાંત ડાંગરના પાકને પણ વ્યાપક ફાયદો થયો છે.
કયા તાલુકામાં કેટલો વરસાદ
તાલુકો ચોવીસ કલાકનો કુલ
આણંદ ૧૭૭ ૩૩૪ |
સોજિત્રા ૮૯ ૩૩૫ |
તારાપુર ૭૬ ૩૫૮ |
પેટલાદ ૬૫ ૩૪૯ |
બોરસદ ૩૨ ૨૧૨ |
ઉમરેઠ ૨૫ ૧૫૫ |
આંકલાવ ૨૫ ૨૧૯ |
ખંભાત ૮ ૩૩૫ |
(નોંધ-વરસાદ મી.મી.માં) |