Get The App

આણંદ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Updated: Jul 2nd, 2023


Google NewsGoogle News
આણંદ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો 1 - image


- ઇસ્માઈલનગરની સોસાયટીઓમાં ઘુંટણસમાં પાણી ભરાયા

- ઉમરેઠમાં અને પેટલાદ તાલુકામાં અનુક્રમે 17 અને 10 મી.મી. વરસાદ

આણંદ : સમગ્ર ચરોતર પંથકમાં ચોમાસાએ જમાવટ કરી હતી. જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ વરસતા ધરતીનો તાત આનંદીત બન્યો હતો. શનિવારે બપોરે આણંદ તાલુકામાં દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આગામી દિવસોમાં જિલ્લામાં મેઘરાજાનું જોર યથાવત રહેશે અને જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં ઠેર ઠેર ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

શુક્રવારે આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટાં વરસ્યા બાદ શનિવારે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસવાનું શરૂ થયું હતું. તાલુકા મથક ઉમરેઠ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના ૬ થી ૮ કલાક દરમ્યાન ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો. 

જ્યારે બપોરના ૧૨ થી ૨ કલાક દરમ્યાન જિલ્લાના પેટલાદ તાલુકામાં ૧૦ મીમી વરસાદ વરસતા વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બપોરના ૨ કલાક બાદ સમગ્ર જિલ્લામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધોધમાર વરસાદ તુટી પડયો હતો. આણંદ સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.

આણંદ તાલુકામાં બપોરના બેથી સાડા ત્રણના  દોઢ કલાકના ગાળામાં લગભગ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે આણંદ શહેરના ગામડી વડ, સરદાર ગંજ, શાસ્ત્રી બાગ, નવા બસ મથક, અમૂલ ડેરી રોડ, આણંદ-વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરની પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઈસ્માઈલનગરની વિવિધ રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. ધોધમાર વરસાદના કારણે અનેક લોકોના વાહનો વરસાદી પાણીમાં અટવાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાના પણ બનાવો બન્યા હતા. બપોરના ૪ કલાકની આસપાસ વરસાદનું જોર નરમ પડતા લોકોએ રાહત અનુભવી હતી. જો કે સમી સાંજ સુધી પણ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું.

શનિવારે સાંજે 4 સુધી જિલ્લામાં 170 મી.મી. વરસાદ વરસ્યો

આણંદ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ શનિવારે સવારથી બપોરના ૪ કલાક સુધી જિલ્લામાં કુલ ૧૭૦ મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરના ૨ થી ૪ કલાકના સમયગાળામાં આણંદ તાલુકામાં સૌથી વધુ ૫૨ મીમી જ્યારે તારાપુર તાલુકામાં ૧૦ મીમી, સોજિત્રામાં ૨૭ મીમી, ઉમરેઠમાં ૬ મીમી, ખંભાતમાં ૮ મીમી, બોરસદમાં ૪ મીમી અને આંકલાવ તાલુકામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો.


Google NewsGoogle News