આણંદ તાલુકામાં અષાઢી માહોલ, 1 ઇંચ વરસાદથી જ ઠેર ઠેર પાણી ભરાયા
- અતિવૃષ્ટિના મારથી બેઠા થયેલા ખેડૂતોને વધુ એક ફટકો
આણંદ, તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ ગુરૂવાર બપોર બાદથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો છે. ગુરૂવારના રોજથી શુક્રવાર બપોર સુધીમાં જિલ્લાના આણંદ તાલુકામાં એક ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. માવઠાના કારણે જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ ચોમાસા દરમ્યાન મુશળધાર વરસાદના કારણે પ્રભાવિત થયેલ ખેતીમાંથી માંડ-માંડ બેઠા થયેલ ખેડૂતોને ભરશિયાળે થયેલ માવઠાના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સીસ્ટમને લઈ ગુજરાતના કેટલાક સ્થળોએ બે દિવસ માટે કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. જે મુજબ ગુરૂવાર વહેલી સવારથી જ આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. દરમ્યાન ગુરૂવાર નમતી બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. મોડી સાંજના સુમારે જિલ્લામાં ઠેર-ઠેર હળવો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં નાસભાગ મચી ગઈ હતી અને ચિંતાતુર બનેલ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે ખેતર તરફ દોડ મુકી હતી. દરમ્યાન મોડી રાત્રિના સુમારે પણ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારના સુમારે પણ જિલ્લામાં વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. ગુરૂવાર સાંજથી શુક્રવાર સવાર સુધી વરસેલ હળવા વરસાદી ઝાપટાને લઈ જિલ્લામાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.
આણંદ શહેરમાં પણ ગુરૂવાર સાંજથી જ વાતાવરણ પલ્ટાયું હતુ અને કાળાડીબાંગ વાદળો વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું હતું. મોડી રાત્રિના સુમારે શહેરમાં મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારે પણ વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. જેને લઈ શહેરના વિવિધ રાજમાર્ગોની આસપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે શનિવારના રોજ પણ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસવાની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બીજી તરફ ભરશિયાળે ચોમાસાનો માહોલ જામતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. જેને પગલે ઋતુજન્ય બિમારીનો વાવર ફેલાવાની શક્યતા જોવાઈ રહી છે.