For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદ બેઠકમાં 64.90 ટકા મતદાન આંકલાવમાં 70.72 ટકા નોંધાયું

Updated: May 8th, 2024

આણંદ બેઠકમાં 64.90 ટકા મતદાન આંકલાવમાં 70.72 ટકા નોંધાયું

- વર્ષ 2019 ની તુલનામાં વર્ષ 2024 માં 2.14 ટકા ઓછું મતદાન થયું

આણંદ : આણંદ લોકસભા બેઠક માટે તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર આણંદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સાંજના ૬-૦૦  વાગ્યા સુધીમાં  ૬૪.૯૦  ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૭૦.૭૨ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આણંદ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી ઓછું ૬૦.૫૪ ટકા મતદાન થયું હતું. લોકસભાની આણંદ બેઠર વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૬૭.૦૪ ટકા મતદાન થયું હતું. જેની સરખામણીએ આ વર્ષે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ૨.૧૪ ટકા ઓછું મતદાન નોંધાયું છે.આણંદ બેઠક પર કુલ મતદારો ૧૭,૮૦,૧૮૨ મતદારોમાંથી ૧૧,૫૫,૪૦૨ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૬,૨૨,૪૭૭ પુરૂષ મતદારોએ અને ૫,૩૨,૮૬૮ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.  જ્યારે ત્રીજી જાતિના ૧૩૧ મતદારોમાંથી ફક્ત ૫૭ મતદારોએ મતદાન કર્યું હતું. 

આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે સવારના ૭-૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના કુલ-૧૭૭૩ મતદાન મથકો ખાતે વહેલી સવારથી મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જો કે આકરી ગરમી વચ્ચે બપોરના સુમારે કેટલાક મતદાન મથકો ઉપર મતદારો જૂજ જોવા મળ્યા હતા. 

મોટી સંખ્યામાં ઉમટેલા મતદારોએ આજે ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન દ્વારા કુલ-૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ કરી દીધું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં જ લોકો મતદાન મથકો ખાતે પહોંચી ગયા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાના તમામ મતદાન મથકો પર સવારમાં જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જિલ્લાના વડા મથક આણંદ શહેરના મતદાન મથકો ઉપર સવારથી જ સીનીયર સીટીઝનો મતદાન કરવા માટે ઉમટયા હતા. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરી અને તેમના ધર્મપત્ની તેમજ જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓએ સવારના સુમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આજે સવારના સુમારે આંકલાવ ખાતે મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના મિતેષભાઈ પટેલે પત્ની સાથે વાસદ ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું.૧૬-આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિભાગમાં   સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી નોંધાયેલ મતદારો પૈકી ૫૭૮૦૯૪ પુરુષ અને ૪૯૭૮૫૭ સ્ત્રી તેમજ ૫૫ ત્રીજી જાતિના મળી કુલ-૧૦૭૬૦૦૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સાંજના ૫-૦૦ કલાક સુધી ૬૦.૪૪ ટકા મતદાન થયું હતું. ચાલુ વર્ષે આંકલાવ, બોરસદ તેમજ પેટલાદમાં વધુ મતદાન થતા તેનો સીધો લાભ કોંગ્રેસને થવાની શક્યતાઓ જોવાઈ રહી છે જ્યારે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં થયેલ ઓછુ મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હોવાની ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી છે. આગામી તા.૪ જુનના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ખંભાત વિધાનસભા બેઠક માટે 59.90  ટકા મતદાન થયું

આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે સાથે આજે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાંજના ૫-૦૦ કલાક સુધીમાં ૫૯.૯૦ ટકા મતદાન નોંધાયું હતું. ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં નોંધાયેલ કુલ-૨૩૪૬૫૮ મતદારો પૈકી ૭૫૫૮૦ પુરુષ મતદારો તથા ૬૪૯૭૯ સ્ત્રી મતદારો મળી કુલ-૧૪૦૫૫૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Gujarat