Get The App

આણંદ નગરપાલિકાએ બે દિવસમાં માત્ર 40 પશુ પકડી સંતોષ માન્યો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
આણંદ નગરપાલિકાએ બે દિવસમાં માત્ર 40 પશુ પકડી સંતોષ માન્યો 1 - image


- જિલ્લામાં 4,000 રખડતા પશુઓનો ત્રાસ

- જિલ્લાના 8 શહેરોમાં નગરપાલિકા દ્વારા ઢોર પકડવાના કર્મચારીઓની નિમણૂક પણ કરાઈ નથી

આણંદ : આણંદ જિલ્લામાં અંદાજે ૪,૦૦૦થી વધુ રખડતા પશુઓના કારણે જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આણંદ નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસમાં ૪૦ ગાયોને પકડીને પાંજરાપોળમાં મૂકી સંતોષ માન્યો હતો. તેમજ જિલ્લાના ૮ શહેરોમાં પાલિકા દ્વારા ઢોર પકડવાના કર્મચારીઓની નિમણૂક પણ કરાઈ નથી. 

આણંદ જિલ્લાના તાલુકા મથકોએ જાહેર માર્ગો ઉપર રખડતી ગાયોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. જિલ્લામાં અંદાજિત ૪,૦૦૦થી વધુ ગાયો ટોળે વળી જાહેર રસ્તા ઉપર ઉભી રહેતા ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. પશુઓની નાસભાગને કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે.  જેની રોજ પોલીસ સ્ટેશનમાં ૧૫થી વધુ અકસ્માતોની રજૂઆતો કે ફરિયાદો નોંધાવવામાં આવતી હોય છે.આણંદ પાલિકા દ્વારા વિદ્યાનગર કરમસદના માર્ગો ઉપરથી ગુરુવારે ૨૩ ગાયો અને શુક્રવારે ૧૭ ગાયોને પકડવામાં આવી હતી. તમામ ૪૦ ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવી છે પરંતુ હજુ પણ આ વિસ્તારમાં બે હજારથી વધુ ગાયો રસ્તા ઉપર રખડતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.   આણંદ પાલિકાની ઢોર પકડવાની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, ગાયો પકડવા જતી ટીમ ઉપર પશુપાલકોના ટોળા હુમલો કરતા હોવાથી તેમજ પોલીસ સંરક્ષણ નહીં મળતા કર્મચારીઓ વધુ હિંમત કરી શકતા નથી. કેટલીક વખત ગાય પકડવાની ટીમ પાસેથી દાદાગીરી કરીને પકડેલા પશુઓ છોડાવી જતા કામગીરીમાં વિલંબ ઊભો થતો હોવાનું ઉમેર્યું હતું.

 જિલ્લાના બોરસદ, આંકલાવ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર, ખંભાત શહેરોમાં પાલિકા દ્વારા ઢોર ટીમ પકડવાના કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી નથી.


Google NewsGoogle News