આણંદ જિલ્લામાં ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડયો, ગુરૂવારે તાપમાન 45 ડિગ્રી નોંધાયું

Updated: May 25th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડયો, ગુરૂવારે તાપમાન 45 ડિગ્રી નોંધાયું 1 - image


- આણંદમાં મે માસમાં હીટસ્ટ્રોકના 8 કેસ નોંધાયા

- આણંદ બાદ પેટલાદ સિવિલમાં 20 બેડનો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયો

આણંદ : ઓરેન્જ એલર્ટ વચ્ચે સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી વરસી રહી છે અને ગરમીએ પાછલા ૧૨ વર્ષનો રેકર્ડ તોડયો છે. વર્ષ-૨૦૧૬માં તા.૧૯મી મેના રોજ મહત્તમ તાપમાનનો ૪૪.૭ ડી.સે. સુધી ઉંચે ગયો હતો. ગત વર્ષે એટલે કે વર્ષ-૨૦૨૩માં ૧૨મી મેના રોજ વર્ષનું સૌથી ઉંચું તાપમાન ૪૩ ડી.સે. નોંધાયું હતું. જો કે ચાલુ વર્ષે ગરમીએ તમામ રેકર્ડ તોડયા છે અને ગત તા.૨૩મી મેના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડી.સે. સુધી પહોંચી ગયો હતો. 

છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં વરસી રહેલી કાળઝાળ ગરમીથી નાગરિકોે હેરાન પરેશાન થઈ ઉઠયા છે. જિલ્લાવાસીઓ હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યાં છે. જિલ્લામાં હિટ વેવને લઈ આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. આણંદ સિવિલ હોસ્પિટલની સાથે સાથે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૨૦ બેડ ધરાવતા ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ માટે આઈસીયુ સહિત બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે મહતમ તાપમાનનો પારો ૪૩.૫ ડી.સે. રહેવા પામ્યો હતો. જો કે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ જનરેટ થતા અને પવનની ગતિમાં વધારો થતા આગામી તા.૨૭મી પછી સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઓરેન્જ એલર્ટ વચ્ચે આણંદ જિલ્લામાં વિતેલા બે દિવસો દરમિયાન હિટ સ્ટ્રોકના કુલ-૪ કેસ નોંધાયા છે. જેમાં ગુરુવારે ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે ત્રણ હિટ સ્ટ્રોકના કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે હિટ સ્ટ્રોકનો એક કેસ નોંધાયો હતો. આમ મે માસ દરમિયાન હિટ સ્ટ્રોકના કુલ-૮ કેસ આણંદ જિલ્લામાં નોંધાયા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે.

ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે મહતમ તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો વધારો 

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના ડૉ.એસ.બી. યાદવના જણાવ્યા મુજબ, ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મહત્તમ તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો વધારો થયો છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી ઉનાળાનો પ્રારંભ થાય છે અને મે માસમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડે છે. આણંદ જિલ્લામાં સરેરાશ ૪૦ થી ૪૧ ડી.સે. મહત્તમ તાપમાન રહે છે પરંતુ ચાલુ વર્ષે સતત ચાર દિવસ સુધી ૪૪ ડી.સે.ની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે જે ભયજનક કહેવાય. સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ગરમીનો પારો નીચો જઈ શકે છે. જો કે આવનાર વર્ષોમાં ક્લાયમેટ ચેન્જની અસર વચ્ચે મહત્તમ તાપમાન કેટલું ઉંચું જશે તે કહેવું મુશ્કેલ છે.

આણંદ જિલ્લામાં વર્ષ-2012 થી 2024 સુધીનું મહત્તમ તાપમાન

વર્ષ

મહત્તમ

તારીખ

 

તાપમાન

 

૨૦૧૨

૪૧.૫

૨૬-૫-૨૦૧૨

૨૦૧૩

૪૩.૦

૨૨-૫-૨૦૧૩

૨૦૧૪

૪૩.૦

૨૯-૪-૨૦૧૪

૨૦૧૫

૪૩.૮

૧૮-૫-૨૦૧૫

૨૦૧૬

૪૪.૭

૧૯-૫-૨૦૧૬

૨૦૧૭

૪૩.૨

૧૪-૪-૨૦૧૭

૨૦૧૮

૪૪.૨

૨૮-૫-૨૦૧૮

૨૦૧૯

૪૪.૬

૨૮-૪-૨૦૧૯

૨૦૨૦

૪૩.૦

૨૫-૫-૨૦૨૦

૨૦૨૧

૪૨.૦

૧૭-૫-૨૦૨૧

૨૦૨૨

૪૩.૨

૧૧-૫-૨૦૨૨

૨૦૨૩

૪૩.૦

૧૨-૫-૨૦૨૩

૨૦૨૪

૪૫.૦

૨૩-૫-૨૦૨૪


Google NewsGoogle News