Get The App

આણંદ જિલ્લામાં છેલ્લા 7 માસમાં મલેરિયાના 5, ડેન્ગ્યૂના 16 કેસ નોંધાયા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં છેલ્લા 7 માસમાં મલેરિયાના 5, ડેન્ગ્યૂના 16 કેસ નોંધાયા 1 - image


- જૂન મહિનો મલેરિયા અને જુલાઇ માસ ડેન્ગ્યૂ વિરોધી માસ તરીકે ઉજવાયો

- ઉઘાડ નીકળતાની સાથે મચ્છરજન્ય રોગચાળો વકરવાની શક્યતા, દવાના છંટકાવની માંગ

આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા સાત મહિનામાં ડેન્ગ્યૂના ૧૬ અને મેલેરિયાના ૫ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સરકાર દ્વારા જૂન મહિનામાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી તથા જુલાઈને ડેન્ગ્યૂ વિરોધી માસ તરીકે ઉજવણી કરાઈ રહી છે ત્યારે મેલેરિયા અટકાવવાના દાવા વચ્ચે સાત મહિનામાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કુલ ૨૧ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે. હાલમાં વરસાદે વિરામ લીધો છે, તેવામાં ઉઘાડ નીકળતા જ મચ્છર અને માંખીઓનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગના દર્દીઆથી ઉભરાશે. કાદવ-કિચડ દુર કરવા, પાણીના ભરાયેલા ખાબોચિયા પુરવા, સફાઇ કામગીરી કરવાની સાથે મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ કરવાની કામગીરી ઝડપી અને અસરકારક બનાવવા માંગ ઉઠી છે.

આણંદ જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન આણંદ, પેટલાદ, બોરસદ, સુણાવ, ફાગણી, દેહવાણ, ચીખોદરા, રાજુપુરા અને અડાસ ગામમાંથી ડેન્ગ્યૂના ૧૬ કેસ નોંધાયા હતા. જ્યારે બાકરોલ, ભરોડા અને આણંદ શહેરમાંથી મેલેરિયાના પાંચ કેસ નોંધાયા હતા. 

મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં મેલેરિયા વિરોધી જૂન માસ અને ડેન્ગ્યૂ વિરોધી જુલાઈ માસની ઉજવણી કરાઈ હતી. જિલ્લામાં આરોગ્ય વિભાગની ૪૫૦ ટીમો દ્વારા પોરાનાશક અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા  આણંદ જિલ્લામાં આ કામગીરી કરવા માટે ૪૫૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં ૭,૩૫,૦૬૩ ઘર ની તપાસણી કરવામાં આવી હતી જેમાંથી ૭,૦૨૪ ઘરોમાંથી પોરા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૯,૨૬,૨૪૭ પાત્રો તપાસ કરવામાં આવ્યા હતા, તેમાંથી ૭,૮૦૩ પાત્રોમાં પોરા મળ્યા હતા. ડોક્ટર દિપક પરમારના જણાવ્યા મુજબ ૯૮,૦૫૯ પાત્રમાં દવા નાંખવામાં આવી હતી અને ૧૧,૪૨૦ પાત્રો નાશ કરવામાં આવ્યા હતા. જ્યારે ૫૮૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું અને ૪૦૬ સ્થળો ખાતે પોરા ભક્ષક માછલી નાખવામાં આવી હતી. આ માસ દરમિયાન ૧૧૭૧ જગ્યાઓએ ખાડા ખાબોચિયાઓમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત ૪૧,૬૦૨ વ્યક્તિઓના લોહીના નમુના તપાસ કરવામાં આવ્યા હતા. જ્યારે શૈક્ષણિક અને જાહેર સંસ્થાઓમાં પોરાનાશક અને મચ્છર નિયંત્રણ અંગેની કામગીરીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૧૪૦૦ થી વધુ શાળા કોલેજ કેમ્પસમાં સર્વે કરવામાં આવ્યો, ઉપરાંત ૯૦૦ થી વધુ ધામક સ્થળો ખાતે, ૩૩૦ થી વધુ ફેક્ટરીઓ ખાતે, સરકારી કચેરીઓ, ૭૨૫ થી વધુ દવાખાના હોસ્પિટલ કેમ્પસ, ૨૫૫ થી વધુ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન  વિસ્તારમાં અને ૧,૦૪૦ થી વધુ બાંધકામ સાઈટો ઉપર પોરાનાશક અને મચ્છર નિયંત્રણ કામગીરીનો સર્વે કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News