આણંદ જિલ્લામાં અસહ્ય બફારા બાદ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડયા
- 3 દિવસ બાદ ચરોતરમાં પુનઃ વરસાદી માહોલ
- આગામી 4 દિવસ સુધી છુટાછવાયા વરસાદની આગાહી બપોરે વરસાદ વરસતા ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ હતી. જૂન માસના અંતિમ સપ્તાહમાં જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જેને લઈ તાપમાનનો પારો ઉંચે જતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓએ ભારે બાફ અને ઉકળાટનો સામનો કરવો પડયો હતો. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવારે બપોરના સુમારે અકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ મિનિટોમાં આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ બાફ અને ઉકળાટમાંથી આંશિક રાહત મેળવી હતી. વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને વાવણી માટે ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરી દીધેલા હોવાથી આગામી દિવસોમાં વાવણીનો પ્રારંભ કરવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં વરસવાનું ચાલુ રહેશે. તેમાં પણ તા.૮ અને ૯ જુલાઈના રોજ જિલ્લાના મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોને પાકના વાવેતરનો પ્રારંભ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને ચોમાસું પાકોની વાવણી માટે વાવેતર શરૂ કરવાનું જણાવાયું છે.
કયા કેટલુ તાપમાન
મહત્તમ
તાપમાન |
૩૪.૮
ડી.સે. |
લઘુત્તમ
તાપમાન |
૨૮.૫
ડી.સે. |
હવામાં
ભેજનું પ્રમાણ |
૮૬ ટકા |
પવનની ઝડપ |
૪.૫
કી.મી./કલાક |
સુર્યપ્રકાશ |
૬.૭ |