આણંદ જિલ્લો ચોળાફળી અને મઠિયાના ઉત્પાદનનું મોટું હબ
- ચરોતરમાં આજે દિવાળીની ઉજવણી થશે
- અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ ચરોતરના મઠિયાની માંગ
આણંદ : ચરોતરમાં આજે દિવાળીની ઉજવણી થશે. દિવાળી આવે એટલે ચરોતરની ચોળાફળી અને મઠિયાની ખરીદી માટે લોકોની ભીડ જામતી હોય છે. આણંદ જિલ્લો ચોળાફળી અને મઠિયાના ઉત્પાદનનું મોટું હબ ગણાય છે. ચરોતરમાં બનતી ચોળાફળી અને મઠિયાની રાજ્યના વિવિધ શહેરો સહિત વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.આણંદ, ભાદરણ, વીરસદ, સારસા, આંકલાવ અને ઉત્તરસંડાના મઠિયા અને ચોળાફળીની દેશ વિદેશમાં માંગ રહેતી હોય છે. દિવાળીનો તહેવાર આવતા જ ગુજરાતીઓ મઠિયા અને ચોળાફળીની લીજ્જત માણતા હોય છે. ગણેશ મહોત્સવથી જ ચરોતરમાં મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે. મોટા ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે છે. બાદમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશોમાં કન્ટેનર મારફતે મોટા પ્રમાણમાં નિકાસ કરતા હોય છે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ ચરોતરમાંથી મઠિયા અને ચોળાફળી મોકલવામાં આવતી હોય છે. હાલ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠની બજારોમાં મઠિયા અને ચોળાફળીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. દુકાનોની સાથે સાથે બજારમાં લારી અને પાથરણાવાળાઓ મઠિયા અને ચોળાફળીનું વેચાણ કરતા નજરે પડે છે.
ચાલુ વર્ષે કરોડો રૂપિયાની ચોળાફળી અને મઠિયાનું વેચાણ થવાની શક્યતાઓ છે. ઉપરાંત જિલ્લામાં દિવાળી પર ગળપણ ધરાવતી મેંદાના લોટની સુંવાળી અને ઘુઘરાની પણ માંગ વધુ રહેતી હોય છે.