આણંદની બોરસદ ચોકડીએ એક્તા નગરમાંથી 36 દબાણો દૂર કરાયા
- પોલીસ બંદોબસ્ત વચ્ચે દાંડી માર્ગ વિભાગની કાર્યવાહી
- મહિલાઓ સહિત સ્થાનિકોએ બુલડોઝરની આગળ ઉભા રહી હોબાળો કરતાં તંગદીલી : ફક્ત ઝુંપડપટ્ટીને ટાર્ગેટ કરવામાં આવતી હોવાના આક્ષેપ
આણંદની બોરસદ ચોકડીએ જીટોડિયા જવાના દાંડી માર્ગ ઉપર ઓવરબ્રિજ પાસે એક્તાનગર સોસાયટીના રહીશો દ્વારા લારી-ગલ્લાઓ, સાયકલ રિક્ષાઓ સહિતના દબાણો ખડકી દેવામાં આવ્યા છે. પરિણામે રસ્તો માત્ર ૧૦ ફૂટનો રહ્યો છે. આ સંદર્ભે ગત તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ એક સ્થાનિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં એક્તાનગરથી જીટોડિયા સુધીના દબાણો દૂર કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરે દાંડી માર્ગ વિભાગને દબાણો માપીને દૂર કરવા તાકીદ કરી હતી.
દાંડી માર્ગ વિભાગ દ્વારા દસ દિવસ પહેલા એક્તાનગરના રહિશોને ગેરકાયદે દબાણો દૂર કરવા અંગે નોટિસ ફટકારી હતી. તેમ છતાં દબાણો દૂર ન થતાં સોમવારે પાલિકાની ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે દાંડી વિભાગે ૬ બુલડોઝર, પાંચથી વધુ ટ્રેક્ટર સહિતના સાધનો વડે દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરી હતી. ત્યારે મહિલાઓ સહિત સ્થાનિકો બુલડોઝરની આગળ ઉભા થઈ ગયાં હતાં. જ્યાં મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો કે, અમને એક મહિનાથી દબાણ હટાવવાનું કહ્યું હતું પણ દિવાળી આવી રહી છે, ત્યારે મકાનો ક્યાંથી શોધી શકીએ, અમને સરકાર જગ્યા અથવા ઘર આપે પછી અમારા ઘર તોડે તેમ જણાવી વિરોધ કર્યો હતો. જોકે, પોલીસે દરમિયાનગીરી કરી મહિલાઓને ખસેડતા દબાણ હટાવવાનું શરૂ કરાયું હતું. ટોળું એકત્ર થઈ જતાં માહોલ ગરમાયો હતો.
આણંદ દાંડી વિભાગના અધિકારી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, એક્તાનગર સોસાયટીમાં જેટલા લોકોને નોટિસ આપી હતી તે તમામ ૩૬ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફરીથી દબાણ સર્જાય નહીં તે માટે પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર રાજકીય ઈશારે દબાણો દૂર નહીં કરતું હોવાના આક્ષેપ
આણંદના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક્તાનગર સ્લમ વિસ્તાર છે. રાજકીય નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં વોટ બેન્ક ધરાવતા હોવાથી આ વિસ્તારના દબાણો દૂર કરવામાં અડચણરૂપ થતાં હોય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં રાજકીય ઈશારે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા નથી તેવા આક્ષેપ લગાવ્યા હતા.
ઝુંપડપટ્ટીના રહીશોને રહેવા માટેની જગ્યા ફાળવવામાં આવશે ઃ પ્રાંત અધિકારી
દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકો અપક્ષ કાઉન્સિલર સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. લાંભવેલથી અંધારિયા ચોકડી સુધી દાંડી હેરિટેજ માર્ગ ઉપર કાચા-પાકા દબાણો હોવા છતાં ફક્ત ઝુંપડપટ્ટીને ટાર્ગેટ કરવામાં આવે છે, બોરિયાવીથી આણંદ સુધી પાકા કોમ્પ્લેક્સો બની ગયા છે, જેને દૂર કરવામાં નથી આવતા અને ગરીબોને જ હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપ લગાવ્યા હતા. જ્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર રૂટ ઉપર આવતા તમામ કાચા-પાકા દબાણો દૂર કરાશે. એક્તાનગર ઝુંપડપટ્ટીના બાકી રહેલા રહીશોને લેન્ડ કમિટિની મીટિંગ કરી તેમના રહેવા માટેની જગ્યા ફાળવી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.