આણંદ એપીએમસીની ચૂંટણી જાહેર 7 મી ઓક્ટોબરે મતદાન યોજાશે
- ચરોતર પંથકના સહકારી રાજકારણમાં ગરમાવો
- ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, ખરીદવેચાણ વિભાગની 2 બેઠકો માટે 21 મીથી નાંમાકનપત્રો ભરાશે
ખેડૂતો, પશુપાલકો માટે અનાજ-ખેતઉપજના ખરીદ-વેચાણ, ખોળ-ખાતર, પશુઆહાર, જંતુનાશક દવાઓ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે મહત્વરૂપ ગણાતી આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં છેલ્લાં કેટલાક સમયથી ભાજપના આગેવાન ભરત પટેલ ચેરમેનપદે સત્તારૂઢ છે અને તેઓના વડપણ હેઠળ પુનઃ ૧૬ બેઠકોની પેનલ ચુંટણીજંગમાં ઝુકાવશે. આગામી ૭મી ઓક્ટોબરે યોજાનાર ચુંટણીને લઇને કો-ઓપરેટીવ સેક્ટરમાં અત્યારથી ચહલપહલ વર્તાઇ રહી છે. જેમાં ખેડૂત, વેપારી, ખરીદવેચાણ વિભાગની ૧૬ બેઠકો માટે ૨૧મી સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ગ્રામ્ય સહિત શહેરી અર્થતંત્ર ઉપર પ્રભુત્વ ધરાવતી એપીએમસીની ચુંટણી પક્ષીય ધોરણે ન લડાતી હોવા છતાં ભાજપ-કોંગ્રેસના માધાંતાઓ દ્વારા પોતાના સમર્થક ઉમેદવારોને વિજયી બનાવવા માટે એડીચોટીનુ જોર લગાવવામા આવશે. જેમાં જુના જોગીઓની પેનલની સાથોસાથ કેટલાક નવા ચહેરાઓ પણ મેદાને-જંગમા ઉતરશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે ૮મી ઓક્ટોબરે જાહેર થનારા ચુંટણી પરિણામો બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.