ધર્મજ ગામમાં અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ સાઈકલ ચાલકનું મોત
- વાળુ તલાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ
- લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો
વડદલા ગામે રહેતા ૬૫ વર્ષીય ફુલાભાઈ લલ્લુભાઈ ઠાકોર ગુરૂવારે સાંજે સાયકલ પર સવાર થઈને ધર્મજ ગામ તરફ દુધ આપવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે વાળુ તલાવડી પાસે રોડ ક્રોસ કરતી વખતે ખંભાત તરફથી પૂરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે સાયકલને જોરદાર ટક્કર મારતા ફુલાભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા. તેઓના માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ની ટીમે ફુલાભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.