Get The App

હાડગુડ પંચાયત વિકાસના કામોમાં વેઠ ઉતારતી હોવાનો આક્ષેપ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
હાડગુડ પંચાયત વિકાસના કામોમાં વેઠ ઉતારતી હોવાનો આક્ષેપ 1 - image


- પેવર બ્લોક અને ડ્રેનેજનું કામ પૂરૂં કરાવવા માંગ

- અધૂરી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને ઈન્સપેક્શન વિના બીલોની ચૂકવણી કરાઇ હોવાનો આક્ષેપ

આણંદ : હાડગુડ ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં વેઠ ઉતારી બ્લોક પેવિંગ અને ડ્રેનેજ લાઈનના કામો અયોગ્ય રીતે પૂર્ણ કરી દેવાયા હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે પંચાયત દ્વારા જુદા જુદા વિસ્તારના વિકાસલક્ષી કામોમાં નિયત ધારાધોરણ કે નિયમ મુજબ કોઈ જ કામગીરી કરાઈ ન હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે.

હાડગુડ પંચાયત વોર્ડ નંબર-૬માં બ્લોક પેવીંગની કામગીરી છેલ્લા છ માસથી અધૂરી મૂકી દેવાઈ છે. જ્યારે વોર્ડ નંબર-૨માં માર્ગ વચ્ચેની ગટર કુંડી સમતલ ન બનતા નાના મોટા વાહનો પટકાય છે. આમ ઉપરછલ્લી કામગીરીના કારણે જાહેર માર્ગ ઉપર અકસ્માતનું જોખમ પણ સતત વધી જવા પામ્યું છે. બીજી તરફ નિયત કામગીરીમાં છીંડા હોવા છતાં કોન્ટ્રાક્ટરના મસમોટા બિલોનું કોઈ સ્થળ તપાસ કે ઈન્સપેક્શન વિના બીલોની ચુકવણી કરી દેવાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. જેથી પંચાયતની એકને ખોળ અને બીજાને ગોળ આપવાની નીતિને પગલે સ્થાનિક રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.હાડગુડ પંચાયત વોર્ડ-૨ વજીફાદાર મહોલ્લાના સ્થાનિકો રસ્તાની વચ્ચેની ગટર કુંડી અને અકસ્માતના ભય અંગે ચૂંટાયેલા સ્થાનિક સભ્ય અને પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી ચુક્યાં છે. એ જ રીતે વોર્ડ નંબર-૬ અજમતપુરા વાડીના પ્રવેશ માર્ગ ઉપરના પેવર બ્લોકની અધૂરી કામગીરી અંગે રહીશોએ અવરજવર કરવામાં હાલાકીની સમસ્યા બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં કોઈ ઉકેલ ના આવતા નબળી નેતાગીરી અને વહીવટી સંચાલનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો છે. આ અંગે પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીનું સ્થળ તપાસ કરી અધૂરી કામગીરીને ઝડપી  કરવામાં આવે એવી લોકમાંગ ઉટી છે.


Google NewsGoogle News