આણંદ જિલ્લામાં રસ્તા માટે 236 કરોડ મંજૂર કર્યા બાદ કામગીરી અદ્ધરતાલ
આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતાં મહત્વના નેશનલ હાઈવે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨૩૬ કરોડ મંજુર કરવામાં આવ્યા બાદ આચારસંહિતાના પગલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. જેને લઈ આ બિસ્માર માર્ગો હાલ વધુ જોખમી બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લાના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આણંદ જિલ્લાના લગભગ ૮૦ કિમીના અલગ-અલગ બિસ્માર માર્ગો માટે રૂ.૨૩૬ કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી. જેમાં ૧૯ કિમીના આણંદ-લીંગડા, ૧૦ કિમીના ભાલેજ-સારસા, ૩ કિમીના કરમસદ-વલાસણ, ૭ કિમીના કિંખલોડ-ચમારા, ૧૫ કિમીના નડિયાદ-પાલી અને ૬ કિમીના ભાલેજ-ચકલાસી રસ્તાનો સમાવેશ કરાયો હતો.
જો કે, ટેન્ડર પ્રક્રિયા બાકી રહેલી હોવાથી આ માર્ગોનું કામ ચોમાસા બાદ શરૂ થવાની શક્યતાઓ છે. આ માર્ગો પૈકી આણંદ-લીંગડા માર્ગમાં સામરખા ચોકડી પાસે માર્ગની બંને તરફ દુકાનદારો દ્વારા અને ખાનગી માલિકીના મિલકતધારકોએ રોડ સમાંતર દબાણ અને માટી પુરાણ કરેલું હોવાના કારણે વરસાદી પાણી નિકાલ ન થતાં પાણી ભરાઈ રહેતા ડામર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયો હોવાના આક્ષેપ ઉઠયા છે.
આ માર્ગ ઉપર પેટ્રોલપંપ નજીક પડેલો ખાડો વાહનચાલકો માટે જોખમી બન્યો છે. વધુમાં સામરખા એક્સપ્રેસ નાળામાં પાણી ભરાઈ જતા માર્ગ ખખડધજ હાલતમાં ફેરવાયો છે. જેને લઈ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સમાનો કરવો પડે છે.