ડાકોર શહેરમાં ખોદકામ કર્યા બાદ 6 મહિનાથી ખાડા પુરાણનું કામ અદ્ધરતાલ
- પાલિકા આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ
- ગણેશ ટોકીઝ નજીક મંદિર જવાના મુખ્ય માર્ગ પર ખાડાઓના લીધે અકસ્માતનો ભય
ડાકોરના ગણેશ ટોકીઝ નજીક મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ખોદકામ કરી ખાડા ખુલ્લા મુકી દેવામાં આવતા રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ખુલ્લી ગટરોના કારણે અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. તેમજ સ્થાનિકોને રોગચાળામાં સપડાવાનો ભય સતાવી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ગટરોની સાફસફાઈ કરાવવાના બદલે ગંદા પાણીનો નિકાલ કરી સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ લોકોએ લગાવ્યા છે. ખુલ્લી ગટરોના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.
આગામી દિવસોમાં ચોમાસાની સીઝન શરૂ થનાર છે ત્યારે પ્લાસ્ટીક વેસ્ટ સહિતનો કચરો ખુલ્લી ગટરોમાં જવાના કારણે ગટર લાઈન ચોકઅપ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.