આણંદમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર ગરબા યોજાયા
- અધિકારીઓ પર રાજકીય દબાણ હોવાની ચર્ચા
- મોટા ગરબા આયોજકો દ્વારા પોલીસની હાજરીમાં જાહેરનામાનું ઉલ્લંઘન છતાં પણ તંત્ર મૂકપ્રેક્ષક
આણંદમાં નોરતાના પ્રથમ દિવસે મોટા ગરબાના આયોજકોને હંગામી પરવાનગી મળી હતી. જેમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ આયોજીત ગરબા મહોત્સવના એન્ટ્રી ગેટ પાસે ફોટોશુટના ડોમમાં આગ લાગી હતી. તેવામાં બીજા દિવસે મંજૂરી મેળવવા માટે આયોજકોએ ભારે નાસભાગ કરી હતી. જેથી શુક્રવારે રાત્રે ફાયર એનઓસી સાથે મંજૂરી મળી હતી. જેથી આયોજકોએ ઉન્માદમાં આવી જઈ અનેક સ્થળોએ રાત્રે ૧૨ વાગ્યા બાદ પણ લાઉડ સ્પીકર સાથે ગરબા યોજ્યા હતા. આ ગરબા મહોત્સવના મુખ્ય એન્ટ્રી ગેટ પાસે પોલીસ અધિકારીઓ હાજર હોવા છતાં જાહેરનામાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. આ અંગે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર અને ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાનો ટેલીફોનિક સંપર્ક સાધવા પ્રયાસો કર્યા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા હતા. તેમજ અધિકારીઓ પર રાજકીય દબાણ આવ્યાની ચર્ચાઓએ જોર પકડયું છે.
પોલીસની હાજરીમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ગરબા ચાલુ હશે તો રિપોર્ટ કરાશે
જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે, જાહેરનામાનું પાલન કરાવવું પોલીસની જવાબદારી છે. રાત્રે બે વાગ્યે જિલ્લા પોલીસ વડાને ફોન કરી સ્ટેટસ પૂછ્યું ત્યારે ગરબા બંધ હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસની હાજરીમાં સાઉન્ડ સીસ્ટમ સાથે ગરબા ચાલુ હશે તો તે અંગે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે. તેમજ આ અંગે જો કોઈ નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદીના નામની ગુપ્તતા જાળવી જરૂરથી કાર્યવાહી કરાશે તેમ ઉમેર્યું હતું.