આણંદ પાસે ખાનગી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 6 નાં મોત

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
આણંદ પાસે ખાનગી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 6 નાં મોત 1 - image


- અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે ફરી રક્તરંજિત બન્યો

- સોમવારે વહેલી પરોઢે દુર્ઘટના બની, ખોટકાયેલી બસ પાછળ ટ્રક ઘૂસી ગઇ, 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

આણંદ : અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર સોમવારે પરોઢે ચિખોદરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી બસના ૬ મુસાફરોના મોત થયા હતા. જ્યારે ૮ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસ મુંબઇથી રાજસ્થાન જતી હતી ત્યારે બસનું ટાયર ફાટતા તે ખોટકાઇને એક્સપ્રેસ વે પર ઉભી હતી ત્યારે કેટલાક મુસાફરો બસમાંથી ઉતરી બસની આગળ ડિવાઇડર પાસે ઉભા હતા. અને બસના ડ્રાઇવર-કંડક્ટર ટાયર બદલી રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ આવતી ટ્રક બસની પાછળ ઘૂસી ગઇ હતી. જેની જોરદાર ટક્કરથી ખોટકાયેલી બસ મુસાફરો પર ચઢી જતા બસ નીચે ચગદાઇ જવાથી ૮ મુસાફરોના મોત થયા હતા. તમામ મૃતકો રાજસ્થાનના વતની હતા.

ગતરોજ રાત્રિના સુમારે એક લક્ઝરી બસ મુસાફરો ભરીને મુંબઈથી રાજસ્થાન ખાતે જવા માટે નીકળી હતી. દરમ્યાન લક્ઝરી બસ વહેલી પરોઢના સુમારે ચિખોદરા ગામની સીમમાં આવલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક બસનું ટાયર ફાટતા ચાલકે બસને માર્ગની સાઈડમાં ઉભી રાખી હતી .

ચાલક તથા કંડક્ટર લક્ઝરી બસનું ટાયર બદલી રહ્યા હતા ત્યારે લક્ઝરી બસમાં સવાર કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતરી બસની આગળ આવેલ માર્ગની સાઈડના ડીવાઈડર ઉપર બેઠા હતા. દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટ્રક ધડાકાભેર લક્ઝરી બસની પાછળ ઘુસી જતા લક્ઝરી બસ ડીવાઈડર ઉપર બેઠેલ મુસાફરો ઉપર ફરી વળી હતી. 

અકસ્માતમાં છ જેટલા મુસાફરો બસની નીચે કચડાઈ જવા પામ્યા હતા. જ્યારે અન્ય મુસાફરો બસની ટક્કરે દુર ફેંકાઈ જઈ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે વાતાવરણ મુસાફરોની કારમી ચીચયારીઓથી ગુંજી ઉઠયું હતું. 

અકસ્માતની જાણ એક્સપ્રેસ હાઈવે ઓથોરીટી સહિત આણંદ ગ્રામ્ય પોલીસ, ૧૦૮ અને ફાયર વિભાગને થતાં ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને આણંદ ફાયર બ્રિગેડના જવાનોએ લક્ઝરી બસનું પતરું કાપી તેમજ જેકથી લક્ઝરી બસ ઉંચી કરી નીચે કચડાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. જો કે બસ નીચે દબાઈ ગયેલ છ જેટલા મુસાફરોને ૧૦૮ની ટીમે ચકાસી મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઈવરને ભારે જહેમત બાદ બહાર કાઢી કુલ આઠ જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ત્રણ મહિલા, બે વૃધ્ધ પુરુષ સહિત એક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

જેને લઈ ઘટનાસ્થળે ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. મૃતકોના પરિવારજનોને આ અંગે જાણ કરતા તેઓ આણંદ ખાતે દોડી આવ્યા હતા અને ઓળખવિધિની પ્રક્રિયા હાથ ધરી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ચિખોદરા ગામની સીમમાં વહેલી પરોઢે સર્જાયેલ અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને લઈ માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ ઉપરથી ખસેડી વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકોના નામ

૧. પ્રેમાદેવી પ્રકાશચંદ્ર જૈન (ઉં.વ.૫૧, રહે.રાજસ્થાન)

૨. ભવરલાલ ગીરધારીલાલ રાવ (ઉં.વ.૯૦, રહે.રાજસ્થાન)

૩. નૈનીદેવી હેનસીંગ (ઉં.વ.૩૮, રહે.રાજસ્થાન)

૪. રાજવીબેન સુરેશભાઈ સુથાર (ઉં.વ.૪૫, રહે.રાજસ્થાન)

૫. સોનુ નારાયણ જાટ (ઉં.વ.૧૮, રહે.રાજસ્થાન)

૬. પુનમ ફુલચંદભાઈ જૈન (ઉં.વ.૮૦, રહે.રાજસ્થાન)


Google NewsGoogle News